સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના આજે જાહેર થયેલા પરિણામોમાં ઝઘડીયા તાલુકામાં ફુંકાયેલા પરિવર્તનના વાવાઝોડાએ ભાજપાએ તાલુકામાં સત્તા સંભાળવા પ્રતી પ્રયાણ કર્યુ છે.
ઉલ્લેખનીય છેકે ભરૂચ જિલ્લાના આદિવાસી પટ્ટીના ત્રણ તાલુકાઓ ઝઘડીયા નેત્રંગ અને વાલિયાની તાલુકા પંચાયતોમાં વર્ષોથી છોટુભાઈ વસાવા સમર્થિત પક્ષનું સુકાન હતુ. આજે જાહેર થયેલા તાલુકા જિલ્લા પંચાયતોના પરિણામોએ ઝઘડીયા વાલિયા તાલુકાઓમાં ભાજપાનો ભગવો લહેરાયો હતો. બીટીપીના ખાસ ગણાતા પૂર્વ તાલુકા પ્રમુખ રીતેષ વસાવા અને ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ થોડા સમય પહેલા બીટીપીમાંથી છેડો ફાડીને ભાજપામાં જોડાયા હતા તેમની સાથે તાલુકાના વિવિધ ગામોના સરપંચો તેમજ કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં ભાજપાનો ખેસ પહેરી લેતા તેજ સમયે રાજકીય તજજ્ઞોએ તાલુકાના રાજકારણમાં પલ્ટો થવાની સંભાવનાઓ પ્રતિ અંગુલી નિર્દેશ કર્યો હતો. વાલિયા તાલુકા પંચાયતની ૧૬ પૈકી ૧૧ બેઠકો પર ભાજપાએ વિજય પ્રાપ્ત કરતા ભરૂચ જિલ્લાની આદિવાસી પટ્ટી ભાજપાના કેસરિયા રંગે રંગાઇ હતી. ઝઘડીયા તાલુકાની ચાર જિલ્લા પંચાયની બેઠકો પૈકી ફક્ત ધારોલી બેઠક પર બીટીપી ઉમેદવારની જીત થઇ હતી, જ્યારે સુલ્તાનપુરા રાજપારડી અને દુ.વાઘપુરા બેઠકો ભાજપાએ કબજે કરી લીધી હતી. ઝઘડીયા તાલુકા ભાજપા પ્રમુખ ધરમેન્દ્રસિંહ માટીયેડા અને જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આ વિજયને ઐતિહાસિક ગણાવીને કાર્યકરો અને વિજયી ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા. તાલુકાના રાણીપુરા ગામે મત ગણતરી કેન્દ્રની બહાર વિજેતા ઉમેદવારોના સમર્થકો એકબીજાને વિજયની ખુશીમાં અભિનંદન આપતા નજરે પડયા હતા. તાલુકા ભાજપા છાવણીમાં વિજયનો માહોલ જોવા મળ્યો હતો. ઝઘડીયા વાલિયાના ચુંટણી પરિણામોને પગલે ભરૂચ જિલ્લાની આ આદિવાસી પટ્ટીમાં નવા સમીકરણો મંડાણ થયા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ