ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જી.આઇ.ડી.સી. માં આવેલ પ્રન્સવ હેલ્થ કેર નામની કંપની ફાર્મા કેમિકલનું ઉત્પાદન કરે છે. આ કંપની આશરે ૨૫ હજાર ચોરસ મીટર જેટલા નાના પ્લોટમાં કાર્યરત છે. આજે સવારે કંપનીનાં પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે ફરજ પરના કામદારોમાં નાસભાગ થવા પામી હતી. કંપનીમાં મટીરીયલના ડ્રમ મોટા પ્રમાણમાં હતા, આગની ઘટના સમયે આગને કાબૂમાં રાખવા જગ્યા ઘણી ઓછી પડી હતી. જે સ્થળે આગ લાગી તે સ્થળે નજીકમાં જ એસિડની ટેન્કો, રિએક્ટર તથા ૨૦૦ થી વધુ કેમિકલના ડ્રમ પડેલા હતા, પરંતુ સદનસીબે મોટી જાનહાની ટાળી શકાઈ હતી. કંપનીમાં અગ્નિશામક યંત્રના અભાવના કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી હતી. કંપનીમાં અગ્નિશામક યંત્રો ઉપરાંત તાલીમબદ્ધ કર્મચારીનો પણ અભાવ હોવાનું જાણવા મળ્યુ હતુ.
પ્રાથમિક જાણકારી મુજબ હાલમાં કોઈ જાનહાનિ નથી, પરંતુ આગ લાગવાના કારણે કંપનીમાં નુકસાન થયું હોવાની સંભાવના છે. ઝઘડીયા જી.આઇ.ડી.સી. માં આવેલા ભયજનક પ્લાન્ટોમાં અવારનવાર દુર્ઘટનાઓનાં કારણે જી.આઇ.ડી.સી.ની આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. યુપીએલ કંપનીમાં થયેલ બ્લાસ્ટ બાદ તરત જ અન્ય કંપનીમાં આગ લાગવાની ઘટનાને લઇને જી.આઇ.ડી.સી. ના કામદાર વર્ગમાં ચિંતાની લાગણી જોવા મળે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ