સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને જનતામાં સલામતીની લાગણી ઉત્પન્ન થાય અને ચુંટણીઓ શાંત અને સ્વચ્છ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં અસરકારક પગલા લેવાય રહ્યા છે. જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ જિલ્લામાં ઠેરઠેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચો યોજાઇ રહી છે, તે અંતર્ગત ઝઘડીયા ખાતે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતું. ડિ.વાય.એસ.પી ચિરાગ દેસાઇની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ ઝઘડીયા નગરમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી.
આયોજિત કુચમાં ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા,પીએસઆઇ ડી.એ.વસાવા ઉપરાંત અંકલેશ્વર ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ જવાનો તેમજ એસ.આર.પી જવાનો જોડાયા હતા. ઝઘડીયાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ ફરી હતી. ફ્લેગ માર્ચ નિહાળીને જનતાએ સલામતી અને સુરક્ષાની લાગણી અનુભવી હતી.
ઉલ્લેખનીય છેકે ૨૮ મી તારીખના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતોની ચુંટણીઓ યોજાનાર છે, ત્યારે ચુંટણીઓને લઇને સ્વચ્છ વાતાવરણ પેદા થાય અને જનતામાં સુરક્ષાની ભાવના મજબુત બને તે માટે ફ્લેગ માર્ચના આયોજન દ્વારા જનતાને સલામતીનો અહેસાસ કરાવાતો હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ