ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના ચંદ્રકાંતભાઈ વસાવાને ક્રિકેટ પ્રત્યે અનહદ લગાવ હોઇ, તેમણે પોતાનું ખેતર લેવલ કરીને ક્રિકેટનું મેદાન બનાવ્યું છે. જે રીતે મોરના ઈંડાને ચીતરવા ન પડે તે રીતે ચંદ્રકાન્તભાઈના પુત્ર અને પુત્રીને પણ ક્રિકેટ પ્રત્યે અનહદ લગાવ છે. પોતાની પુત્રીનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને ચંદ્રકાંતભાઈએ તેમની દીકરીનું સપનું પૂર્ણ કરવા કોઈ જ કસર છોડી નથી. મુસ્કાનની ક્રિકેટ પ્રત્યેની લગન જોઈ તેમણે દીકરી મુસ્કાનને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જ્યારે જ્યારે ચંદ્રકાંતભાઈ ક્રિકેટ રમવા જતા ત્યારે તેમની પુત્રી મુસ્કાન પણ તેમની સાથે જતી ચંદ્રકાંતભાઈએ દીકરીને પ્રેક્ટિસ કરવા માટે તેમના ગામમાં તેમની પોતાની જમીનમાં આખું ક્રિકેટનું મેદાન ઊભું કર્યું છે. ચંદ્રકાંતભાઈએ પુત્રી મુસ્કાનને બરોડા ક્રિકેટ એસોસિએશન પાસેથી એન.ઓ.સી મેળવી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વતી રમાડવાની પણ શરૂઆત કરી હતી. ટ્રાઇબલ વિસ્તારમાં રહેતી મુસ્કાને સમાજનું નામ રોશન કર્યું છે. ક્રિકેટમાં ટ્રેનિંગ માટે મુસ્કાન માટે ફીજીયોથી લઇને સારા કોચની સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી. મુસ્કાનને અંકલેશ્વર ખાતે આવેલા હાઇ ટચ ક્રિકેટ એકેડમી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મળી છે.
ભરૂચથી ક્રિકેટ અંડર ૧૯ ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઇ હતી, જયાં આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચાર ફીફટી ફીફટી અને ફાસ્ટ બોલર બની વિકેટો પણ મેળવી તેણે ઓલરાઉન્ડર તરીકે ઓળખ ઉભી કરી છે. મુસ્કાનની પસંદગી બાબતે તેના પિતા ચંદ્રકાંતભાઈ વસાવાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે તે અને તેમનો પુત્ર ક્રિકેટ રમવા જતા ત્યારે મુસ્કાને ટેનિસ બોલથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી જે બાદ સીઝન બોલ પર રમવાની શરૂઆત કરી હતી. આંતરરાજ્ય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ફિફટી કરવાની સિદ્ધિ તેને મેળવી હતી. જે બાદ વેસ્ટ ઝોનમાં સિલેક્ટ થઇ તેમાં તેણે ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેન્નાઇ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. નેશનલ ટીમ સિલેક્શન હતું ત્યારે મુસ્કાન બીમાર પડતા ઘરે પરત આવી હતી. હાલમાં તેની ગુજરાતની સીનિયર ટીમમાં પસંદગી થઇ છે. મુસ્કાનને ક્રિકેટનો કોચિંગ મળે તે માટે ચંદ્રકાંતભાઈ બલેશ્વર ગામ છોડી તેને વડોદરા લઈ ગયા હતા જ્યાં એન.ઓ.સી મેળવી તેને ભરૂચ લઈ આવ્યા હતા અને તેની સ્ટેટ ક્રિકેટની સીનિયર ટીમમાં પસંદગી થતા તેણીએ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ