એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં નેરોગેજ રેલ્વેની સુવિધા ઘણા સ્થળોએ હતી. વડોદરા જિલ્લાનું ડભોઇ તે સમયે સમગ્ર એશિયામાં નેરોગેજનું મોટામાં મોટું જંકશન ગણાતુ હતુ. સમયનાં વિતવા સાથે મોટાભાગની નેરોગેજ રેલ્વેનું બ્રોડગેજમાં રૂપાંતર થયુ. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વરને નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા સાથે જોડતી રેલ્વે પણ બ્રોડગેજ બની પરંતુ લોકડાઉન બાદ બંધ થયેલી આ રેલ્વે ફરીથી ચાલુ કરવાની જગ્યાએ તે બંધ થવાની વાતો સંભળાય છે.
આ રેલ્વે લાઇન વચ્ચેનું ઝઘડીયા એક જંકશન સ્ટેશન હતુ. ઝઘડીયાથી અન્ય એક નેરોગેજ રેલવે લાઇન નેત્રંગ જતી હતી. ઝઘડીયા નેત્રંગ વચ્ચેની આ ૨૭ કિલોમીટર લાંબી રેલ્વે લાઇન પર ઝઘડીયાથી લઇને ડમલાઇ, પડવાણીયા, ઝાજપોર, ગોરાટીયા, ગંભીરપુરા તેમજ નેત્રંગ રેલવે સ્ટેશનો આવેલા હતા. ઝઘડીયા અને નેત્રંગ તાલુકાઓ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓ છે. બે તાલુકાઓની એક યાદગીરી સમાન આ રેલવે હવે ભુતકાળનું સંભારણુ બનવાના આરે આવીને ઉભી છે.
જાણવા મળ્યા મુજબ ઝઘડીયા નેત્રંગ વચ્ચેની આ રેલવેને સંપૂર્ણપણે બંધ કરી દેવાની વાતો સંભળાય છે. રેલ્વે સુવિધાની મુસાફરી માટેના ઉમદા સાધન તરીકે ગણતરી થાય છે. આદિવાસી વિસ્તારનું નવલુ નઝરાણુ ગણાતી આ રેલવે ભુતકાળનું સંભારણુ બનવા તરફ જઇ રહી છે ત્યારે સ્થાનિક નેતાઓએ કેન્દ્ર સુધી અસરકારક રજુઆતો કરવા આગળ આવવું જોઇએ. અંકલેશ્વર રાજપીપલા રેલ્વેને પણ કરોડોનો ખર્ચો કરીને બ્રોડગેજ બનાવાઇ છે પરંતુ તે પણ હાલ બંધ છે અને ફરી ચાલુ થશે કે કેમ તે બાબત પણ સવાલો સર્જે છે. રેલ્વે બંધ થાય તો તેની કરોડો બલ્કે અબજો રૂપિયાની કિંમતની જમીનોનું શું ? આ બાબતે પણ સમાજના લાગણીશીલ નાગરીકોમાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સ્થાનિક નેતાઓ આ બાબતે આગળ આવે તો જ આપણે કંઇક સારા પરિણામની આશા રાખી શકીએ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ