ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ગામ નજીક આવેલ એક હાઇવે હોટલ પર ચા નાસ્તો કરવા આવેલ ઇસમો સાથે હોટલના વોચમેનને બોલાચાલી થયા બાદ વાત વણસતા બંને પક્ષો દ્વારા ઝઘડીયા પોલીસમાં સામસામે ફરિયાદો થવા પામી હતી. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગોવાલી ગામે રહેતા કિરણ વિનુભાઈ વસાવા તથા મુલદના નરેશ વસાવા નામના બે મિત્રો ગઇકાલે રાત્રીના સમયે મુલદ નજીક હાઇવે પર આવેલી હોટલ વિકાસમાં ચા નાસ્તો કરવા માટે ગયા હતા, તે સમયે નરેશની એકટીવાને પંચર પડતાં તે પંચર બનાવવા ગયો હતો. દરમિયાન કિરણ વસાવા તથા માંડવા ગામનો અજીત વસાવા હોટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતા હતા ત્યારે હોટલના પાર્કિંગમાં હાજર વોચમેન સલીમ ખાને કિરણ તથા અજીતને રોકીને કહ્યુ હતુ કે તમે પાર્કિંગમાં કેમ ચોરી કરવા આવ્યા છો ? ત્યારે કિરણે જણાવેલ કે અમે ચોરી કરવા માટે નથી આવ્યા, હોટલમાં ચા પીને ઘરે જઈએ છીએ. તમે અમારા પર ખોટો આક્ષેપ કરો છો ત્યારે વોચમેને ઝપાઝપી કરીને ઝઘડો કર્યો હતો. તે દરમિયાન હોટલના બીજા માણસો દોડી આવ્યા હતા અને કિરણ તથા અજિતને પકડી લીધા હતા. તે દરમિયાન મુસ્તાક નામના ઈસમે તેના હાથમાંનું ટાયર ખોલવાનું પાનું અજીતને જમણા કાનની બાજુ મારી દેતા તે લોહીલુહાણ થયો હતો. ઉપરાંત અજીત તથા કિરણને ગાળો દીધી હતી. આ બાબતે અજીત ચતુરભાઈ વસાવાએ મુસ્તાક ગુલામ રસુલ મોમીન પાનના ગલ્લાવાળો, સલીમખાન મીર મહંમદ મંગલીયા, નૂર મહંમદ મુસા દિનુ મંગલીયા ત્રણે રહે. હોટલ વિકાસ ગામ મુલદ તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. આજ ઘટનામાં હોટલના વોચમેન નૂર મોહમ્મદ મુસા દીનું મંગલીયાએ લખાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તે રાત્રિના સમયે નોકરી ઉપર હાજર હતો ત્યારે વાહન પાર્કિંગ કરાવવા દરમિયાન રાત્રિના સમયે બે માણસો પાર્કિંગ પાસે આવીને ટાયર ખોલવાનું પાનું લઇને ફરતા હતા. જેથી સલીમ ખાન નામના વોચમેને તેમને જોઈ જતા અહીં આવો તેવી બૂમ પાડી હતી. હોટલના બીજા માણસો પાર્કિંગ પાસે દોડી આવ્યા હતા અને બંને ઈસમોને પકડયા હતા. તેમનું નામ પુછતા કિરણ વિનુભાઈ વસાવા રહે. ગોવાલી અને અજીત ચતુરભાઈ વસાવા રહે. માંડવા જણાવ્યુ હતુ. બંને ઈસમોને પકડી લેતાં તેમણે હોટલના વોચમેન સાથે ઝપાઝપી કરી હતી. જેમાં કિરણે નૂર મોહમ્મદને ગાલ પર તમાચો મારી દીધો હતો અને અમને કેમ પકડેલ છે ? તેમ કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાખીશું અને તમારી હોટલ બંધ કરાવી દઈશું તેવી ધમકી આપી હતી. આ ઘટનાને લઇને હોટલના વોચમેન નૂર મોહમ્મદ મુસા દીનું મંગલિયાએ કિરણ વિનુ વસાવા રહે. ગોવાલી, તા. ઝઘડિયા અને અજીત ચતુરભાઈ વસાવા રહે. માંડવા,તા.અંકલેશ્વર વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ