ભરૂચ જીલ્લામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, ત્યારે તે અંતર્ગત ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને રાજપારડી ટ્રાફિક પોલીસના જવાનો ભરતભાઇ અને ચંપકભાઇએ ટ્રાફિક બ્રિગેડના જવાનોના સહયોગથી રાજપારડી પી.એસ.આઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ વાહન ચાલકોને પોતાના વાહનની આગળ તેમજ પાછળના ભાગે રેડીયમના રિફ્લેક્ટર સ્ટીકરો ચોંટાડી આપીને ટ્રાફિકના નિયમોની વિસતૃત માહિતી આપી હતી.
ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને અપાયેલ માહિતી અંતર્ગત, રાત્રિ દરમિયાન વાહનની હેડ લાઇટ ડીમ રાખવી જરૂર પડયે જ ફુલ લાઇટનો ઉપયોગ કરવો, વાહનોમાં નિયમો મુજબના કાગળો સાથે રાખવા, વાહનની પીયુસી, વિમો વિગેરેને લગતા નિયમોનુ પાલન કરવુ, વાહનની ગતિ નિયમ મુજબની રાખવી, વાહનમાં ઓવરલોડ જથ્થો ભરવો નહિ, ઓવરટેક કરતા સમયે ખાસ કાળજી રાખીને વાહન હંકારવુ આમ કરવાથી વાહનના ચાલક, રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોને માટે પણ સલામતી મળશે. ઉપરાંત નિયમો જાળવવાથી જીંદગી પણ જોખમાય નહિ અને જીવલેણ અકસ્માતોથી પણ બચી શકાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ