ઝઘડીયા તાલુકાના વાસણા ગામે ચાલતી લીઝોમાંથી રેતી ભરાતી ઓવરલોડ ટ્રકો ઈન્દોર ગામમાંથી પસાર થાય છે માટે સ્થાનિકો રોષે ભરાયા હતા, લીઝો માટે બાયપાસ રસ્તો હોવા છતાં ગામમાંથી ઓવરલોડ ટ્રકો કાઢવામાં આવે છે જેથી ઈન્દોર ગામના સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ ઇન્દોર ગામના નાગરિકોએ ઓવરલોડ ભરેલ રોયલ્ટી વગરની ટ્રકો રોકી હતી.
ઝઘડીયા તાલુકાના ઈન્દોરથી વાસણા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે જેથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, વાસણા તેમજ પાણેથા ગામે મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન થઇ રહ્યુ છે. મોટાપાયે રોયલ્ટી પાસ વગર ઓવરલોડ ટ્રકોથી રેતીનુ વહન કરવામાં આવે છે જેથી આ રસ્તા પરની પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજ લાઈનનું પાણી મિક્સ થઈ જવાથી પીવાનું પાણી પણ ગંદુ આવે છે તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે
અને ગંદુ પાણી જાહેર રસ્તા પર વહેવાથી લોકોને બિમારીનો ભોગ બનવુ પડે છે તેમજ ઈન્દોરથી વાસણા સુધીના રસ્તા પર કેટલાક ધાર્મિક સ્થળ પર આવેલા છે જેમ કે મંદિર, દરગાહ અને આંગણવાડી પણ આજ રસ્તે આવેલ હોય જેથી ગ્રામજનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને
ખેડુતોના ખેતરો આવેલા છે તેમા પણ ધુળ ઉડવાના કારણે પાકને નુકસાન થાય છે.
વાસણામાં ચાલતી લીઝોના બાયપાસ રસ્તો હોવા છતાં ઓવરલોડ ટ્રકો ઈન્દોર ગામમાંથી કાઢવામાં આવે છે જેથી ઇન્દોરના ગ્રામજનો રોષે ભરાયાં હતાં અને ગ્રામજનો વારંવાર ખાણખનીજ વિભાગ, ભરૂચ કલેકટરને રજુઆતો કરવા છતા પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે.