ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામે મામા ફોઈના છોકરાઓ જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલતો હોઇ તેની રીસ રાખીને બાખડયા હતા. જેમાં ભત્રીજાએ ફોઇ તથા તેના છોકરાઓને માં બેન સમાણી ગાળો દઇને ધારીયા વડે ફોઈ પર હુમલો કરી ઈજા ગ્રસ્ત કર્યા હતા.
મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ખરચી ગામે રહેતા કાશીબેન ભીખાભાઈ વસાવા તથા તેમનો પુત્ર અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. કાશીબેનના ભાઇના પરિવાર સાથે તેમનો જમીન બાબતે અંકલેશ્વરની કોર્ટેમાં કેસ ચાલે છે. ગતરોજ કાશીબેન તથા તેમની પુત્ર વહુ કૈલાશબેન તેમની દુકાન બંધ કરતા હતા ત્યારે કોર્ટ કેસની રીસ રાખીને દિનેશ ચંદુભાઈ વસાવા તેના ઘરે ઉભો ઉભો માં બેન સમાણી ગાળો બોલતો હતો, જેનાથી કંટાળીને કાશીબેને દિનેશને જણાવેલ કે તારે જમીનમાં ભાગ આપવો હોય તો આપ પણ અમોને ગાળો ના બોલ. ત્યારે આ સાંભળીને દિનેશની પત્ની સંગીતા અને તેનો છોકરો અવિનાશ પણ માં બેન સમાણી ગાળો બોલવા લાગ્યા હતા. દિનેશે આ દરમિયાન જણાવેલ કે તું છેલ્લા ૧૫ વર્ષથી અમોને કોર્ટમાં દોડાવે છે તે બંધ કર નહીં તો તને જાનથી મારી નાખીશ તેમ કહીને ગાળો દીધી હતી. દિનેશે ઉશ્કેરાઇ જઇને કાશીબેન તથા કૈલાશ પાસે આવીને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન દિનેશનો છોકરો અવિનાશે સળિયો લઈ આવીને કૈલાસબેનને ડાબા હાથની કોણી પાસે મારી દીધો હતો અને દિનેશ પણ તેના હાથમાં ધારીયુ લઈને આવેલો અને કાશીબેનને હાથની કોણીએ મારી દેતા તે ઈજાગ્રસ્ત થયા હતા. મારામારી દરમિયાન બૂમાબૂમ થતા કાશીબેનનો પુત્ર મહેશ, તેનો છોકરો અક્ષય તથા ફળિયાના અન્ય લોકો આવી જતા તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઇજાગ્રસ્ત કાશીબેનને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઇ જવાયા હતા. આ બાબતે કૈલાસબેન મહેશભાઈ વસાવાએ દિનેશ ચંદુભાઈ વસાવા, સંગીતા દિનેશભાઈ વસાવા અને અવિનાશ દિનેશ વસાવા તમામ રહે. ખરચી, તાલુકો ઝઘડિયા વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ