ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે રહેતા બીજલ શંકરભાઈ વસાવા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બીજલભાઇએ તેમની ભાભી શેની બહેનને કહેલ કે તું મારી વહુ ને કેમ પોટલીઓ લાવી આપે છે ? તેમ કહેતા પરિવારના અન્ય સભ્ય ભારત નાનુભાઈ વસાવાએ આવીને કહ્યું કે તું કેમ મારી મોટીને બોલે છે. ત્યારે બીજલભાઇએ જણાવ્યું કે મારી વહુને બગાડે છે એટલે બોલું છું. આ સાંભળીને ભારત નાનુભાઈ વસાવાએ એકદમ ઉશ્કેરાઇ જઇને બાજુમાં રહેલા લાકડાના ઢગલામાંથી એક વાંસના લાકડાનો સપાટો લાવીને બીજલભાઇના માથામાં મારી દેતા તે લોહીલુહાણ થયા હતા. પરિવારના અન્ય સભ્યો આવી જતા તેમણે વધુ મારમાંથી બચાવ્યા હતા દરમિયાન અશ્વિન પરસોતમ વસાવા તથા લાલા પરસોતમ વસાવાએ આવીને બીજલભાઇના પુત્ર મુકેશને માં બેન સમાણી ગાળો બોલીને મારી નાંખવાની ધમકી આપી હતી, અને ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત બીજલ ભાઈને એમ્બ્યુલન્સ મારફતે સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ ઘટનાને લઇને બીજલ શંકરભાઈ વસાવાએ ભારત નાનુભાઈ વસાવા, અશ્વિન પરસોત્તમભાઈ વસાવા અને લાલા પરસોત્તમભાઈ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ