ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક એક હાઇવા ટ્રકે અકસ્માત સર્જતા એક ઇસમનું કરુણ મોત નીપજ્યુ હતું. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.૭ મીના રોજ ધોલી ગામના કેટલાક લોકો સારસા ડુંગર નજીક આવેલ કાળીયાદેવના મંદિરે માનતા હોઇ, દર્શન કરવા ગયા હતા. આ પૈકી કેટલાક લોકો મંદિરે હાજર હતા ત્યારે સાડા પાંચના અરસામાં પ્રહલાદભાઇ અશોકભાઇ વસાવા પર તેમના ભત્રીજાનો ફોન આવ્યો કે તેમના નાનાભાઇ રાકેશભાઇને નવા માલજીપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો છે અને માથામાંથી લોહી નીકળે છે.ત્યારબાદ તેઓએ ઉપરોક્ત સ્થળ પર જઇને જોતા રાકેશભાઇ ત્યાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ હતા. માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોઇ, સ્થળ પરજ મરણ પામેલ હતા. અન્ય માણસો દ્વારા જાણવા મળ્યુ હતુ કે એક હાઇવા ચાલક તેના વાહનથી અકસ્માત કરીને વાહન લઈ નાસી ગયેલ છે.અકસ્માત સર્જીને નાસી જનાર હાઇવાના નંબરની જાણ થતાં પ્રહલાદભાઇ અશોકભાઈ વસાવા રહે.ગામ ધોલી નવી વસાહત, તા.ઝઘડીયા, જિ.ભરૂચનાએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં અકસ્માત કરીને નાસી જનાર હાઇવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ