ગુજરાત સરકારના “ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ ના નવા કાયદા હેઠળ જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડનારા સામે હવે પોલીસે લાલ આંખ કરી હોય તેમ લાગી રહ્યું છે, આ નવા કાયદા હેઠળ જિલ્લામાં એક જ સપ્તાહમાં પોલીસે બે જેટલા ગુન્હા દાખલ કર્યા છે, જેમાં પ્રથમ ગુનો વાલિયા તાલુકામાં નોંધાયો હતો તો અન્ય એક ગુન્હો ગત રાત્રે રાજપારડીના અવિધા ખાતે નોંધાવવા પામ્યો છે.
અવિધા ગામ ખાતે આવેલ વડીલો પારજીત મિલકત સીટી સર્વે નંબર ૧૧૧૫/૧ તથા સીટી સર્વે નંબર ૧૧૧૫/૨ માં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી જમીન પચાવી પાડનાર ઈસમો વિરુદ્ધમાં ફરિયાદી અજયભાઈ રાવજીભાઈ પટેલ તેમજ સોમાભાઈ મૂળજીભાઈ પટેલ નાઓની ફરિયાદનાં આધારે સર્વે નંબરવાળી જગ્યાએ ઘર તેમજ પશુઓ માટે ખીલા ચોઢી જમીન નહિ ખાલી કરનાર ઈસમો (૧) બીજલ ભાઈ છગન ભાઈ વસાવા (૨) સુરેશભાઈ બીજલ ભાઈ વસાવા (૩)દિનેશભાઈ બીજલભાઈ વસાવા તમામ રહે, ડેરા ફળિયું અવિધા નાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
રાજપાડી પોલીસે તમામ ઈસમો સામે ગુજરાત સરકારના નવા કાયદા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો દાખલ કરી તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી સમગ્ર મામલે વધુ તપાસ અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ ચલાવી રહ્યા છે.