ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે યુપીએલ કંપની દ્વારા કેળ પાક સેમિનાર યોજવામાં આવ્યો હતો.કેળમાં આવતા સીગાટોકા રોગ બાબતે ખેડૂતોને રોગથી કેમ બચવુ તેના માટેની સમજ આપીને રોગના સમયે તેની માવજત બાબતે વિસ્તૃત માર્ગદર્શન અત્રે ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું.ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે કેળની ખેતી કરતા તેમજ અન્ય વિસ્તારોમાં કેળની ખેતી કરતા ખેડૂતોને કેળના પાકમાં આવેલ નવા પ્રકારના સીગાટોકા નામનો રોગ સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે આ રોગ ના કારણે ખેડૂતે વાવેતર કરેલ પાકમાં નિંગલ મોડું આવે છે, કેળના પાન સુકાઈ જાય છે, કેળના છોડનો વિકાસ થતો નથી જેના કારણે કેળની લૂમ નાની આવે છે અને કેળા નાના થઇ જતા હોય છે. આ રોગ એક પ્રકારે કુપોષણ જેવો ગણી શકાય. ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે કેળમાં આવતા સીગાટોકા લિફ્ટ સ્પોટ રોગના નિયંત્રણ માટે સેમિનારનું આયોજન કરવામાં આવતા આ પંથકના ખેડૂતોને કંપનીના કૃષિ નિષ્ણાંત અધિકારીઓ દ્વારા કેળાના પાકમાં આવતા રોગ અંગેની માહિતી આપવામાં આવી હતી અને તેના નિયંત્રણો માટેના ઉપાયો સૂચવ્યા હતા. કેળના પાકની સારી ગુણવત્તા જાળવવા અને વધુ ઉત્પાદન મેળવવા માટેની માહિતીની વિસ્તૃત સમજ ઉપસ્થિત ખેડૂતોને આપવામાં આવતા ખેડૂતોએ રસપૂર્વક આ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે પાણેથા ઉપરાંત અન્ય ગામોના ૧૦૦થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યુપીએલ કંપનીના ડાયરેક્ટર સમીર ટંડન, આશિષ ડોભાલ, પ્રસૂન સરકાર રાહુલ પાંડેએ ઉપસ્થિત રહી ખેડૂતોની સમસ્યા અને તેમના ખેતી બાબતના પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા દ્વારા જાણકારી આપી હતી.ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં કેળનું વિપુલ પ્રમાણમાં વાવેતર થતું હોઇ આવા કૃષિ વિષયક સેમિનારો યોજાય તે આવકારદાયક ગણાય.
ગુલામહુશેન ખત્રી રાજપારડી