ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જી.આઇ.ડી.સી. માં આવેલા કેટલાક ઉદ્યોગો દ્વારા વિવિધ પ્રકારના કેમિકલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. ગતરોજ મોડીરાત્રે જી.આઇ.ડી.સી.ના જાહેર રોડ પર જી.આઇ.ડી.સી. નું અથવા કોઈ ખાનગી કંપનીની લાઈનનું ચેમ્બર ઓવરફલો થતું દેખાયુ હતું. રોડને અડીને આવેલ આ ચેમ્બરમાંથી મોટા પ્રમાણમાં કોઈ પ્રદૂષિત ફીણ ચેમ્બરમાંથી ઉભરાઈ રહ્યું હતું. ચેમ્બરમાંથી ઉભરાયેલા કેમિકલનું ફિણ જાહેરમાં પ્રસર્યું હતું. ઘટનાના કલાકો બાદ પણ ચેમ્બરમાંથી ઉભરાતું પ્રદૂષિત ફીણ અટકાવવામાં આવ્યું ન હતુ, જેના લઇને જાહેરમાં ફેલાતા આ પ્રદુષણથી પર્યાવરણને થતા નુકશાન માટે કોણ જવાબદાર ગણાય?! એ બાબતે જનતામાં સવાલો ઉઠવા પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે જી.આઇ.ડી.સી. ના કેટલાક ઉધોગો દ્વારા અવારનવાર પ્રદુષણયુક્ત પાણી કેટલીક ખાડીઓમાં છોડાતુ હોવાની ઘટનાઓ પણ બને છે.આ નાની ખાડીઓ નર્મદાને મળે છે તેથી ખાડીઓમાં છોડાતુ પ્રદુષણયુક્ત પાણી નર્મદામાં જતા નર્મદાનું જળ પણ પ્રદુષિત બને છે. ઉપરાંત ખાડીઓમાં છોડાતા પ્રદુષિત પાણીના કારણે જળચર જીવો તેમજ ખાડીઓનું પાણી પીતા અન્ય પશુઓ માટે પણ આરોગ્ય વિષયક ખતરો પેદા થાય છે. ત્યારે જી.આઇ.ડી.સી.ના પ્રદુષણ ફેલાવતા ઉધોગો પર નિયંત્રણ લાવવા તંત્ર ઘટતુ કરે તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ