ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોરાટીયા ગામે રહેતા શકુબેન અર્જુનભાઈ વસાવા નામની મહિલા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં શકુબેન તેમનું ઘરકામ કરતા હતા, ત્યારે તેમની પાડોશમાં રહેતી તેમની જેઠાણી પુનુબેન વસાવાના ઘરે એકાદ દિવસ પહેલા આવેલ મહેમાન વિક્રમ વિજયભાઈ વસાવા આવ્યો હતો, તેણે શકુબેનના ઘરે આવીને કહ્યુ હતુ કે મને ભૂખ લાગી છે તો ખાવા માટે કંઈ આપો તે સમયે શકુબેનના જેઠાણી પુનમબેન તેમના ઘરે હાજર નહીં હોવાથી શકુબેને તેની જેઠાણીના ઘરે આવેલા આ મહેમાન વિક્રમને તેમના ઘરમાં જમવા માટે બેસાડ્યો હતો. જમતી વખતે વિક્રમની નજર શકુબેને પગમાં પહેરેલ સાંકળા પર જતા તેની દાનત બગડી હતી. તેણે શકુબેનને જણાવેલ કે મારે પૈસાની જરૂર છે, તમારા પગમાં પહેરેલા સાંકળા મને કાઢી આપો. વિક્રમ વ્યસની સ્વભાવનો હોવાથી શકુબેને સાંકળા આપવાની ના પાડી હતી, તે દરમિયાન શકુબેન ઘરની બહાર નીકળતા હતા ત્યારે વિક્રમે પાછળથી આવી શકુબેનના માથાના ભાગે કુહાડીના ઘા મારી દીધા હતા, જેથી શકુબેન જમીન પર ઢળી પડ્યા હતા. બુમાબુમ થતાં પાડોશમાં રહેતા માણસો આવતા હુમલાખોર વિક્રમ ત્યાંથી ભાગી ગયો હતો. લોહીલુહાણ થયેલ શકુબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.બાદમાં શકુબેન અર્જુનભાઈ વસાવાએ વિક્રમ વિજયભાઈ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ