ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોલિયો રસી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત પાંચ વર્ષથી નાના તમામ બાળકોને પોલિયો રસીનાં બે ટીપા પીવડાવવાનું આયોજન થયું હતું. પોલિયો રસી પીવડાવવાનાં કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા પીએસસી દ્વારા પીએસસી વિસ્તારમાં કુલ ૧૪ બુથ રાખવામાં આવ્યા હતા, જેમાં કુલ ૩૪૪૮ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત કુલ ૩૧૯૪ બાળકોને ઝઘડિયા પીએસસી દ્વારા રસી પીવડાવવામાં આવી હતી.
ઝઘડિયા પીએસસી દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત ૯૨ ટકા કામગીરી સંપન્ન કરવામાં આવી હતી. બાકી રહેલા આઠ ટકા બાળકોને આશાવર્કર, નર્સ બેનો, આરોગ્ય કાર્યકર તેમજ આંગણવાડી બહેનો દ્વારા બે દિવસમાં ઘરે ઘરે ફરીને કામગીરી કરવામાં આવશે. પોલિયો રસી પીવડાવવાની કામગીરી માટે તમામ કાર્યકરોને પીએચસીના તબીબ ડો. જીગ્નેશ અને ડો. તહેસીન દ્વારા જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન પીએચસીના સુપરવાઇઝર જીતેન્દ્ર બોડાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ઝઘડિયામાં શેરડી કટીંગના કામે આવેલ મજૂરો, કન્સ્ટ્રકશન સાઈડ તેમજ અન્ય વિસ્તારમાં મજૂરી કામ માટે આવેલા લાભાર્થીઓને પણ પોલિયો મોબાઈલ ટીમ દ્વારા રસી પીવડાવવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ