ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેથી પોલીસે ભેંસો અને પાડિયા મળીને કુલ ૧૪ પશુઓ ભરીને જતી ટ્રક ઝડપી લીધી હતી. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.૧૫ મીના રોજ ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાએ સ્ટાફ સાથે ગોઠવેલ વોચ તપાસ દરમિયાન પશુઓ ભરીને જતી આ ટ્રક ઝડપાવા પામી હતી. ઝઘડીયા મુખ્ય ધોરીમાર્ગ પર મીશન શાળા પાસેથી પસાર થઇ રહેલ ટ્રકને અટકાવીને પોલીસે તપાસ કરતા ટ્રકની અંદર ભેંસો અને પાડિયા ખીચોખીચ ભરીને દોરી વડે બાંધીને લઇ જવાતા હતા. આ પશુઓને ખાવા માટે ઘાસચારો કે પાણીની સગવડ વિના ટ્રકમાં બાંધીને લઇ જવાતા હતા. ટ્રકમાં લઇ જવાતા આ પશુઓ કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે લઇ જવાતા હોવાથી તેમાં રાજ્યના કૃષિ અને સહકાર વિભાગના આદેશનો ભંગ થતો હોઇ પોલીસ દ્વારા આ ટ્રક અટકાવવામાં આવી હતી. ઝઘડીયા પોલીસે ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભરેલ ભેંસો નંગ ૮ જેમની કુલ કિંમત રૂ.ચાર લાખ, ભેંસોના પાડિયા નંગ ૬ જેમની કુલ કિંમત રૂ. બાર હજાર તેમજ રૂ.પાંચ લાખની કિંમતની ટ્રક મળીને કુલ રૂ.૯૧૨૦૦૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ડ્રાઇવર કાસમભાઇ ઇસ્માઇલ મન્સુરી રહે.ગામ પાલેજ જિ.ભરૂચની અટકાયત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડીયા તાલુકામાં ગેરકાયદેસર રીતે પશુઓની થતી હેરાફેરી પ્રત્યે પોલીસે લાલ આંખ કરતા ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ