ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ પાસે આવેલ રાજશ્રી પોલીફિલ નામની કંપનીની કોલોનીમાં રાધાકૃષ્ણનું મંદિર આવેલ છે. આ મંદિરના પૂજારી તરીકે બ્રિજેશ છગનલાલ ઉપાધ્યાય છેલ્લા ૧૧ વર્ષથી કામ કરે છે. ગત તારીખ ૧૩ મીની સાંજે તેઓ આરતી કરીને ઉમલ્લા તેમના ઘરે જતા રહ્યા હતા. બીજે દિવસે સવારે જ્યારે તેઓ કંપની ખાતે આવેલ મંદિરે ગયા ત્યારે તેમને કોઈના દ્વારા જાણવા મળ્યું હતું કે મંદિરના ઓટલા પર આવેલ દાનપેટીનુ પતરૂ તોડીને તેમાંથી કોઇ ચોર રોકડા રૂપિયા ચોરી કરી ગયા છે. પૂજારીએ દાનપેટીનો હિસાબ રાખનાર અરવિંદભાઈ નામના ઈસમને બોલાવી આ બાબતની જાણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મંદિરની દાનપેટી દર ચાર વર્ષે ખોલી એમાંથી રોકડા રૂપિયા ૬ થી ૭ હજાર મળતા હોય છે. રાધાકૃષ્ણ મંદિરના પુજારી બ્રિજેશ છગનલાલ ઉપાધ્યાયે આ અંગે ઉમલ્લા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ કરીને દાન પેટીનું પતરૂ તોડીને તેમાંથી આશરે રૂપિયા ૬ થી ૭ હજાર ચોરી કરી ગયા બાબતની ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ