ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડિયા ગામે આવેલ સર્પેશ્વર મહાદેવના મંદિરના મહંતના ડ્રાઇવરને માર મારીને ફોર વ્હીલ ગાડીનું અપહરણ કરાયુ હોવા બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.
મળતી વિગતો મુજબ તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા કિરણ નટુભાઇ ચૌધરીએ મહંત ભુતનાથ બાપુ તથા ડ્રાઇવર જીતેન્દ્ર ઉર્ફે ચિન્ટુ પપ્પુભાઇ જૈનને દોઢેક વર્ષ પહેલા કોઇ હેતુ માટે રૂ.૧૩,૫૦,૦૦૦ આપેલ હતા. ભુતનાથ બાપુ છેલ્લા સાતેક મહિનાથી ગુજરી ગયા છે તેથી કિરણભાઇ જીતેન્દ્ર ઉર્ફે ચિન્ટુ પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. દરમિયાન તા.૧૨ મીના રોજ કિરણ નટુભાઇ ચૌધરી અન્ય માણસોની મદદથી ગુનાહિત કાવતરુ રચીને બે ફોર વ્હીલ ગાડીઓમાં ઉચેડિયા આવીને જીતેન્દ્ર ઉર્ફે ચિન્ટુ પપ્પુભાઇ જૈનને માર મારીને રૂ.વીસ લાખની ફોર વ્હીલ ગાડીનું અપહરણ કરી ગયા હતા. આ અંગે ઉચેડિયા સર્પેશ્વર મહાદેવ મંદિરના મહંત રાજગુરુ રાધેબાપુએ ઝઘડીયા પોલીસમાં કિરણ નટુભાઇ ચૌધરી રહે.વ્યારા જિ.તાપી અને તેની સાથેના અન્ય પાંચ ઇસમો વિરુદ્ધ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ