કોરોના મહામારીને લઇને શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ હતુ ત્યારે તાજેતરમાં રાજ્યમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ જરૂરી નિયમોના પાલન સાથે ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડના વિદ્યાર્થીઓને શાળાઓમાં અભ્યાસ કરવાની છુટ આપવામાં આવી છે
તેના અનુસંધાને ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિર હાઇસ્કુલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગો ચાલુ કરવામાં આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન શાળાના આચાર્ય મંગુભાઇ વસાવા, આરોગ્ય વિભાગના છોટુભાઇ વસાવા, ભાગ્યલક્ષ્મી દિવાકર, દર્શનાબેન તેમજ પ્રીત માછીએ થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું તાપમાન તપાસીને પ્રવેશ આપ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્યને લગતી જરૂરી ચકાસણી કરવામાં આવી હતી. શાળામાં પ્રવેશતા છાત્રોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. તેમજ જરૂરી નોંધ કરવામાં આવી હતી, અને સામાજીક અંતરનો ખ્યાલ રાખીને વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં બેસાડવામાં આવ્યા હતા. કોરોના મહામારી અંતર્ગત લાંબા સમય પછી શાળાઓમાં અમુક વર્ગોની શરૂઆત કરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા પરિવારે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા આપી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ