ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કાંટીદરા ગામના ગ્રામજનોએ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે કાંટીદરા ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં હાલ ધોરણ ૧ થી ૭ ના વર્ગો ચાલે છે. પરંતુ સરકારના આદેશ અનુસાર શાળામાં બાળકોની સંખ્યા ઓછી થતાં કાંટીદરા શાળાના ધોરણ ૬ અને ૭ ના વર્ગો બંધ કરી બાજુના ગામમાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે, પરંતુ આ નિર્ણયને કારણે બાળકોના શિક્ષણ કાર્યમાં માઠી અસર પડે તેમ છે.
જેવી કે બાળકો ચાલીને ત્રણ કિલોમીટર સુધી અંતર કાપી શકે તેમ નથી. ઉપરાંત આ રસ્તાની આજુબાજુ ખેતરો, વૃક્ષો તેમજ ઝાડી-ઝાંખરા હોવાથી વન્ય પ્રાણીઓ તેમજ ઝેરી જાનવરોનો ભય રહેલો છે. આ ઉપરાંત ભૌગોલિક પરિસ્થિતિ જોતા ચોમાસા દરમિયાન રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થતો હોય છે, જેને કારણે પુર જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ બધી પરિસ્થિતિના કારણે બાળકોના જીવનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત કાંટીદરા ગામની શાળામાં ધોરણ ૬ અને ૭ ની સંખ્યા ૧૯ જેટલી છે. સરકારના નિયમ અનુસાર હાલ ધોરણ ૬ અને ૭ માં ૨૦ બાળકોની સંખ્યા હોય તો ધોરણ આઠ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. વધુમાં ગ્રામજનો દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કાંટીદરા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭ ની સંખ્યા ૨૦ કરવા માટે તેઓ પૂરેપૂરો પ્રયત્ન કરશે તેમ જણાવીને ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭ ના વર્ગો બંધ ન કરવા અને શાળાને ધોરણ ૮ નો વર્ગ આપવા રજૂઆત કરવામા આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ