ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક યુવકે અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામની એક યુવતી સાથે સંબંધ બાંધીને બે વર્ષ સુધી સાથે રહ્યા બાદ તેને છોડી દેતા યુવતીએ યુવક વિરુદ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
મળતી વિગતો મુજબ સુરવાડી ગામની ટીનાબેન વસંતભાઇ વસાવા નામની યુવતી અંકલેશ્વર જીઆઇડીસીમાં કામે જતી હતી, આ દરમિયાન ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામના સતિષ ફતેસીંગ વસાવા નામના યુવક સાથે પરિચય થયો હતો. બાદમાં યુવક અને યુવતી સુરવાડી ગામે યુવતીના માતા પિતા સાથે રહેતા હતા. બે વર્ષ સાથે રહ્યા બાદ પાંચેક મહિના અગાઉ સતિષ ટીનાને છોડીને પોતાના ગામ ગોવાલી આવી ગયો હતો. બાદમાં ટીનાએ સતિષ વિરુદ્ધ ભરૂચ નારી કેન્દ્રમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ સતિષે સમાધાન કરવાનુ છે એમ કહીને ટીનાને મુલદ અને ગોવાલી ગામ વચ્ચે બોલાવી હતી. સતિષે ટીનાને કહ્યુ હતુ કે મારા વિરુદ્ધ કેમ અરજી કરી છે ? હુ તારી સાથે રહેવાનો નથી. તેમ કહીને ગાળો બોલીને ટીનાને માર માર્યો હતો અને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ટીનાએ સતિષ વસાવા વિરુદ્ધ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ