ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં અંકલેશ્વર રાજપીપલા વચ્ચેના ધોરીમાર્ગને ફોર લેન બનાવવાની કામગીરી શરુ થયા બાદ અધુરી મુકી દેવાતા માર્ગ દિવસે દિવસે બિસ્માર બની રહ્યો છે.બિસ્માર બનેલા માર્ગને થાગડ ઠિંગડ કરવા તેના પર મેટલ કપચી પાથરીને કેટલાક સ્થળોએ રીપેરીંગ કામ થતુ હાલમાં દેખાય છે.પરંતુ મેટલ કપચી પાથર્યા બાદ લાંબા સમય સુધી તે એમજ પડ્યા રહેવાના કારણે ધુળ ઉડવાની સમસ્યા જણાય છે.
માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મહત્વનો માર્ગ છે,ત્યારે તેને સંપૂર્ણપણે ચાર માર્ગીય બનાવવાની કામગીરી તાકીદે શરુ કરાય તે જરુરી છે.ઉપરાંત ઉમલ્લાથી નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા વેલુગામ પંથકના વીસેક ગામોને જોડતો માર્ગ પણ પાછલા કેટલાક સમયથી બિસ્માર બનવાના કારણે જનતામાં રોષની લાગણી જણાય છે.તાલુકામાં ઓવરલોડ અને પાણી નીતરતી ભીની રેતી ભરીને દોડતા વાહનોની સમસ્યા જણાય છે. ઓવરલોડ અને પાણી નીતરતી રેતી ભરેલા વાહનોથી રસ્તાઓને નુકશાન થતું હોવાની ચર્ચાઓ તાલુકામાં લાંબા સમયથી ઉઠી રહી છે,ત્યારે આવા વાહનો પ્રત્યે તંત્ર લાલ આંખ કરે તે જરુરી છે.
ઉલ્લેખનીય છે કે કોઇપણ સ્થળના સર્વાંગી વિકાસ માટે રસ્તાઓની ભુમિકા મહત્વના સ્થાને ગણાતી હોય છે.રસ્તાઓ જો બિસ્માર હોય તો જેતે સ્થળનો વિકાસ રુંધાતો હોય છે.ત્યારે ઝઘડીયા તાલુકાના માર્ગોને સુંદર બનાવવા તાકીદે યોગ્ય આયોજનો કરાય તેવી લોકમાંગ પ્રવર્તી રહેલી જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ