રાજ્યભરમાં પેસા એક્ટ હેઠળ શિડયુલ એરિયા તરીકે જાહેર થયેલા તાલુકાઓમાં જમીન સંપાદન સમયે જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ હેઠળ શિડયુલ એરિયામાં જમીન સંપાદન કરતા સમયે અનુસરવાની કાર્યપદ્ધતિ માટે મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા જુલાઈ ૨૦૧૮ માં એક પરિપત્ર જાહેર કરી સૂચનાઓ મુજબ અનુસરવા જણાવાયુ હતું. શિડયુલ એરિયામાં આવેલા જમીન માલિકોમાં એ બાબતે નારાજગી જોવા મળી હતી. જેથી મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦ માં શિડયુલ એરિયામાં જમીન સંપાદન સમયે અનુસારવાની થતી કાર્યપદ્ધતિ બાબતે ફરીથી રાજ્યના તમામ જીલ્લા કલેક્ટરોને જણાવ્યુ છે.
મળતી વિગતો મુજબ આ બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પેસા એક્ટ હેઠળ શિડયુલ સંપાદન થતી જમીન બાબતે જાહેર કરેલ કાર્યપધ્ધતિનો અમલ થતો નથી, જે કડવું સત્ય છે. અને તેમણે સપ્ટેમ્બર ૨૦૨૦ માં ફરીથી મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ કાર્યપદ્ધતિ બાબતે જણાવ્યું હતું. વિગતો મુજબ ફરી જાહેર થયેલ પરિપત્રમાં મહેસુલ વિભાગ ગાંધીનગરના નાયબ સચિવે જણાવ્યુ છે કે જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ હેઠળ શિડ્યુલ એરિયામાં જમીન સંપાદન કરતા સમયે અનુસરવાની કાર્યપદ્ધતિ માટે મહેસુલ વિભાગના જુલાઈ ૨૦૧૮ ના આ પરિપત્રથી સૂચનાઓ જારી કરવામાં આવેલ છે આમ છતાં અનુભવે એવું જણાયેલ છે કે જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ હેઠળ શિડયુલ એરિયામાં આવતી ખાનગી માલિકીની જમીનો સંપાદન કરતી વેળાએ આ પરિપત્રથી આપવામાં આવેલ સૂચનાઓ ધ્યાને લેવામાં આવતી નથી. તેમજ જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૧ (૧) હેઠળ પ્રાથમિક જાહેરનામા મંજૂર કરતા પહેલા ગ્રામસભામાં ઠરાવ રજૂ કરવામાં આવતો નથી. વધુમાં દરખાસ્ત કરતી વેળાએ સંપાદન હેઠળ આવતા તાલુકાની જમીન શિડ્યુલ વિસ્તારમાં આવે છે કે કેમ તેની પણ કોઈ સ્પષ્ટતા થઈ આવતી નથી, આથી શિડયુલ વિસ્તારમાં જમીન સંપાદન કરતી વખતે પરિપત્ર મુજબની સૂચનાઓની ચુસ્તપણે અમલવારી કરવા તમામ ખાસ જમીન સંપાદન અધિકારીને સૂચના આપવા આથી જણાવવામાં આવે છે. તેમ જ જમીન સંપાદનની કાર્યપદ્ધતિ કારણોસર નિયત સમયમર્યાદામાં પૂર્ણ ન થાય તો તેની સઘળી જવાબદારી સંબંધિત ખાસ જમીન સંપાદન અધિકારીની રહેશે જે બાબતે તમામ ખાસ જમીન સંપાદન અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આ મુજબનો પરિપત્ર મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા ફરીથી સપ્ટેમ્બર ૨૦૨૦ માં રાજ્યના તમામ કલેક્ટરોને પાઠવવામાં આવ્યો છે. જેથી જમીન માલિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સરકાર દ્વારા આપેલ પરિપત્ર અને તેની સુચનાઓનો અમલ શિડયુલ એરિયામાં સરકારના અધિકારીઓ જ જમીન સંપાદન સમયે કરતા નથી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ