ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ સિકા ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીમાં હાલમાં થતાં શંકાસ્પદ ખોદકામ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ ગાંધીનગર તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વરને લેખિતમાં રજૂઆત કરી આ શંકાસ્પદ ખોદકામ બાબતે તપાસ કરવા માંગ કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર દ્વારા કંપનીમાં માટીના નમૂના લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ સિકા ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં હાલમાં જમીનમાં દાટવામાં આવેલ વેસ્ટને ખોદકામ કરીને ટ્રકો ભરીને તેને બહાર નિકાલ કરવામાં આવી રહ્યુ હોવાની માહિતી પ્રકૃતિ સુરક્ષા મંડળને મળી હતી. આ બાબતે પ્રકૃતિ પ્રકૃતિ સુરક્ષા મંડળે કંપની ખાતે તપાસ કરતાં શંકાસ્પદ હાલતમાં ખોદકામ કરી ટ્રકો ભરીને તેનું વજન કરી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું. આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ ગાંધીનગર તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છેકે આ અગાઉ પણ આ કંપનીમાં નવેમ્બર ૨૦૧૯ માં આ રીતનું ખોદકામ કરવામાં આવતું હોવાની ફરિયાદ પણ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવી હતી. જે બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ કંપનીને કલોઝર નોટિસ પાઠવી મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી ફરિયાદ પણ કરવામાં આવી હતી, જેમાં પણ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ખાડા ખોદી કેમિકલ વેસ્ટ દબાવવામાં આવ્યું હોવાની રજૂઆત થઇ હતી, પરંતુ તે ફરિયાદને એક વર્ષ થવા આવ્યા છતાં કોઈપણ પ્રકારના પગલા જવાબદાર વહીવટીતંત્ર દ્વારા ભરવામાં આવ્યા નથી ! જાણવા મળ્યા મુજબ હાલમાં સીકા કંપનીમાં થતી શંકાસ્પદ કામગીરી અને ટ્રકો દ્વારા લોડીંગ થતા મટીરીયલ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કંપની સંચાલકોને પૂછવામાં આવતાં કંપનીના જવાબદાર અધિકારીઓ કોઈ જવાબ આપવા તૈયાર થયા ન હતા, તેને લઇને ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી હતી. કંપનીમાં ચાલતા શંકાસ્પદ ખોદકામ બાબતે કંપની દ્વારા જણાવાયુ હતુકે કંપનીમાં રૂટીન પ્રમાણે સામાન્ય કામ થતું હતું. પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદને આધારે અંકલેશ્વરના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માટી ના નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ વધુમાં જણાવાયુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ