ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કુવંરપુરા ગામે રહેતા સુખદેવ ભઈલાલભાઈ વસાવાના લગ્ન સરાધીબેન સાથે થયા હતા. કોઈ કારણોસર સુખદેવભાઈ અને સરાધીબેન અલગ અલગ રહે છે. સુખદેવભાઈ તેના પિતાના ઘરે રહે છે.
ગતરોજ સુખદેવભાઈ તેની બાઈકની આર.સી બુક લેવા તેની પત્ની સરાધીબેનના ઘરે ગયો હતો. પરંતુ આર.સી.બુક તેને મળેલ ન હતી. બપોરના સમયે સુખદેવભાઈ ગામની દુકાને પાન પડીકી લેવા માટે ગયો હતો ત્યારે તેની પત્ની સરાધીબેન તેમજ સીતાબેન, દિપકભાઇ તથા લાલાભાઇ નામની વ્યક્તિઓ તેની પાસે આવી હતી. તેની પત્ની સરાધીબેને કહ્યુ હતુ કે તું શું કામ અમારા ઘરે આર.સી. બુક માંગવા માટે આવે છે, તારો કોઈ અધિકાર નથી, અને ગાડીની આર.સી. બુક આપીશું નહીં. તેમ કહીને એકદમ ઉશ્કેરાઇ જઇને તેના હાથમાંની કુહાડીની મુદંર સુખદેવના કપાળના ભાગે મારી દેતા ચામડી ફાટી ગઇ હતી. ત્યારબાદ તેની સાથે આવેલા ઇસમોએ લાકડીના સપાટા તેમજ ઢીકાપાટુનો માર મારીને ગાળો દીધી હતી. આ દરમિયાન સુખદેવના પિતાજી ત્યાં આવી જતા તેને વધુ મારામાંથી બચાવ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે આવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. સુખદેવભાઈ ભઈલાલભાઈ વસાવાએ સરાધીબેન સુખદેવ વસાવા, સીતા મંગાભાઈ વસાવા, દીપક મંગાભાઈ વસાવા અને લાલા દેવજીભાઈ વસાવા તમામ રહે. કુંવરપુરા તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ