ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ખરચી ગામે રહેતા મીરાબેન મંગુભાઈ વસાવા મજૂરી તેમજ છૂટક ગલ્લો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે ગામમાં લાઈટ ન હોઇ, તેઓ ઘરનો આગળનો દરવાજો ખુલ્લો રાખીને સુઈ ગયા હતા. સવારે જ્યારે તેઓ વહેલા ઉઠ્યા ત્યારે મકાનના બીજા રૂમમાં રાખેલ તિજોરી ખુલ્લી જોવામાં આવી હતી. તિજોરીમાં મુકેલા કપડાં બહાર વેરવિખેર પડેલા હતા. તિજોરીની અંદર તપાસ કરતા અંદર ખાનામાં મુકેલા સોના-ચાંદીના દાગીના જણાયા નહિં તેથી ચોરી થઇ હોવાની ખાતરી થવા પામી હતી. તેમણે ઘરના અન્ય સભ્યોને ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. કોઇ અજાણ્યા તસ્કરો ચાર જોડી ચાંદીના સાંકળા, ચાર જોડી ચાંદીના અછોડા, ત્રણ જોડી ચાંદીની લકી, બે જોડી સોનાના ઝુમ્મર, બે જોડી સોનાના કાપ અને રોકડા રૂપિયા ૧૧ હજાર મળીને કુલ રૂ. ૫૦,૦૦૦ નો મુદ્દામાલ ચોરી ગયા હતા. ચોરીની ઘટના બાબતે મીરાબેન મંગુભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ