ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં ખરચી ગામે ગામની એક દુકાને માવો લેવા ગયેલા એક ઇસમને અન્ય ચાર ઇસમોએ માર મારી ઇજાગ્રસ્ત કર્યો હોવાની ફરિયાદ ઝઘડીયા પોલીસમાં લખાવા પામી છે. જુના ઝઘડાની અદાવતે આ હુમલો કરાયો હોવાનુ મનાય છે.
મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ખરચી ગામે રહેતા કિરીટ ઉર્ફે દશરથ અરવિંદભાઈ વસાવા અંકલેશ્વરની એક કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે સાંજના સમયે કિરીટ તેના ફળિયામાં આવેલ એક દુકાને માવો લેવા ગયો હતો. તે વખતે તેના ફળિયાના સુખદેવ વસાવા, માણેક વસાવા, અજય વસાવા અને રામચંદ્ર વસાવા નામના ઇસમો ભેગા મળીને કિરીટ પાસે આવ્યા હતા, અને સુખદેવ તથા માણેક તેને કહેવા લાગેલા કે તારે આ બાજુ આવવું નહીં, નીકળ અહીંથી તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ એકદમ ઉશ્કેરાઇને તેને મારવા માટે તૂટી પડ્યા હતા. સુખદેવ વસાવા તેની સાથે મારમારી કરવા લાગેલો અને કિરીટને ખભાના ભાગે તથા પીઠના ભાગે બચકા ભરી લીધા હતા. અજય વસાવાએ કિરીટને પથ્થર મારી ઇજા પહોંચાડી હતી અને રામચંદ્ર વસાવાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તે દરમિયાન માણેક વસાવાએ તેના ખિસ્સામાંથી ધારદાર કટર કાઢીને કિરીટને બાવળાના ભાગે મારી દેતા ચામડી કપાઈ ગઇ હતી, અને લોહી નીકળ્યું હતું. આ દરમિયાન કીરીટે બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો આવી જતા તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. ઇજાગ્રસ્ત ઇસમને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. બાદમાં કીરીટ ઉર્ફે દશરથ અરવિંદભાઈ વસાવાએ સુખદેવ ઉર્ફે બોરો રામુ વસાવા, માણેક બેચર વસાવા, અજય સુખદેવ વસાવા અને રામચંદ્ર રમણ વસાવા તમામ રહેવાસી ગામ ખરચી, તા. ઝઘડિયા, જિ.ભરૂચ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ