ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક મુખ્ય ધોરીમાર્ગ પર ઉમલ્લા ચેકપોસ્ટથી થોડેક દૂર રાજપીપળાથી અંકલેશ્વર તરફ જઇ રહેલા એક ટ્રકચાલકને ચાર જેટલા ઈસમોએ આંતરીને લૂંટી લીધો હોવાની ઘટના બનવા પામી છે.
મળતી વિગતો મુજબ સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા અવધેશકુમાર છબીનાથ હરીજન ડ્રાઇવિંગનો ધંધો કરે છે. ગઇકાલે સાંજે પાંચ વાગ્યે તે બોડેલીથી રાજપીપળા અંકલેશ્વર થઇને સુરત જવા નીકળ્યો હતો. રાજપીપળાથી ઉમલ્લા તરફ આવતા ઉમલ્લા નજીક આવેલ ચેકપોસ્ટથી એક કિલોમીટર પહેલા એક ઈસમે તેને હાથ કરી ઉભો રાખ્યો હતો. ટ્રક ઉભી રહેતાની સાથે જ એક ઈસમ ડાબી બાજુથી અને એક ઈસમ જમણી બાજુથી ટ્રકમાં ચઢી ગયા હતા તથા અન્ય બે યુવક ટ્રકની આગળ મોટરસાઈકલ પર સવાર થઈને બેઠા હતા. ટ્રક પર ચઢી ગયેલા ઇસમોએ ટ્રક ચાલકને કહ્યું હતું કે તારી પાસે જેટલા પૈસા હોય તે કાઢીને મને આપી દે. ત્યારે ટ્રક ચાલકે જણાવ્યું હતું કે સો બસો રૂપિયા જોઈતા હોય તો લઈ લો અને મને છોડી દો, ત્યારે તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ધમકી આપીને ટ્રક ચાલકના શર્ટના ઉપરના ખિસ્સામાં હાથ નાખીને ૧૪૦૦ રુપિયા કાઢી લીધા હતા ત્યારબાદ આ ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લૂંટનો ભોગ બનનાર ટ્રકચાલકે ટ્રક માલિક સાથે વાત કરીને ઉમલ્લા પોલીસ મથકમાં આ અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ