ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવાપોરા ગામે રહેતા સંદીપ અશોકભાઈ વસાવાની દાદીની જમીન જુનાપોરા નર્મદા નદીના કિનારે આવેલી છે. આ જમીનમાં પ્રકાશ ઠાકોરભાઈ પટેલે વજન કાંટો નાખી તેમની લિઝમાંથી રેતી ભરેલ ગાડીઓનું વજન કરાવે છે.તે બદલ તેઓને લીઝ સંચાલક ભાડું ચૂકવે છે. હાલમાં વજનકાંટા વાળી જમીનનું ભાડું અરવિંદ પારસીંગભાઈ વસાવા બારોબાર લઈ ગયો હતો, જેથી સંદીપે અરવિંદભાઈને ફોન કર્યો હતો તે દરમિયાન બોલાચાલી થઈ હતી. રાત્રિના સમયે અચાનક અરવિંદ અને સુરેશે સંદીપને ઘરની બહાર ખેંચી લાવી બોલ હવે તારે શું કરવું છે ? તેમ કહીને ઝપાઝપી કરી હતી, તે દરમિયાન સંદીપને હાથના ભાગે ચપ્પુ વાગી ગયુ હતુ અને સુરેશે સંદીપને તેના હાથમાંનો સળિયો પગમાં મારી દીધેલ. ઝઘડાનુ ઉપરાણું લઇને અરવિંદનો છોકરો રાહુલ એકદમ ઉશ્કેરાઇ જઇને માં બેન સમાણી ગાળો બોલીને તેના હાથમાંનું લોખંડનું પાનુ સંદીપને કપાળના ભાગે મારી દીધું હતું, ત્યારબાદ પ્રફુલ તથા અરવિંદની પત્ની સુમિત્રા પણ તેમનું ઉપરાણું લઇને આવ્યા અને લાકડીનો સપાટો છાતીના ભાગે મારી દીધો હતો અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ ઈસમો જતા હતા કહેતા હતા કે તમે કેવી રીતે ગામમાં રહો છો ? આ ગામ છોડી દેજો નહી તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને તેમની ઈકો ગાડીમાં જતા રહ્યા હતા.
આ બાબતે સંદીપ અશોકભાઈ વસાવાએ (૧) અરવિંદ પારસીંગભાઈ વસાવા (૨ ) સુરેશ રમણભાઈ વસાવા (૩) રાહુલ અરવિંદભાઈ વસાવા (૪) પ્રફુલ્લ વસાવા (૫) સુમિત્રા અરવિંદભાઈ વસાવા તમામ રહેવાસી ભીલવાડા તા. ઝઘડિયા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનામાં સામેના જુથે પણ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદ મુજબ સુમિત્રાબેન અરવિંદભાઈ વસાવા તેમના ઘરે હતા ત્યારે સંદીપ અશોકભાઈ વસાવાનો તેના પતિ અરવિંદ પર ફોન આવ્યો હતો અને સુમિત્રાના પતિ અરવિંદે ફોન સુમિત્રાને આપ્યો હતો તે દરમિયાન સંદીપે સુમિત્રા સાથે માં બેન સમાણી ગાળો આપી હતી. જેથી રાહુલ, સુરેશ તથા અમિત ઈકો ગાડી લઇ નવાપોરા ગામે ગયેલ અને સુમિત્રાબેને જણાવેલ કે સંદીપ મને ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો બોલે છે તેમ કહેતા સંદીપ ઘરમાંથી એકદમ ઉશ્કેરાઇ જઇ દોડી આવી તેના હાથમાં લોખંડનો હથોડો સુમિત્રાને કમરના ભાગે મારી દીધો હતો અને તેનુ ઉપરાણું લઇ સુરેશે તેના હાથમાં લાકડીનો સપાટો લઇ આવી સુમિત્રા બેનને મારી દીધો હતો, જેથી સુમિત્રા અરવિંદભાઈ વસાવાએ (૧) સંદીપ અશોકભાઈ વસાવા (૨) સુરેશ સોમાભાઈ વસાવા રહેવાસી નવાપોરા તા. ઝઘડિયા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ