ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી પંથકનાં ગામોએ આજે વહેલી સવારે વીજ ટીમો દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાતા 40 જેટલા વીજ કનેક્શનોમાં મીટરો સાથે ચેડા થયેલા જણાયા હતા. વીજ ચોરી કરતા ઝડપાયેલા આ ગ્રાહકો પાસેથી રૂ.6 લાખ જેટલી વીજ ચોરી ઝડપાવા પામી હતી. મળતી વિગતો મુજબ સુરત કોર્પોરેટ કચેરી દ્વારા આયોજીત વિજ ચેકિંગ ડ્રાઇવ અંતગર્ત 22 જેટલી વીજ ટીમોએ 600 જેટલા વીજ મિટરો તપાસ્યા હતા, જેમાંથી 40 જેટલા વીજ ગ્રાહકોના મીટરોમાં ચેડા થયા હોવાનુ જણાયુ હતું. રાજપારડી નગરની આજુબાજુનાં વિવિધ ગામોમાં વહેલી સવારે લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે વીજીલન્સ ટીમોએ આકસ્મિક વિજ ચેકિંગ હાથ ધર્યુ હતુ.
આ ગામોમાં ઉમલ્લા, અછાલીયા, રૂમાલપુરા, મહુવાડા, તવડી, બામલ્લા વગેરે ગામોનો સમાવેશ થાય છે. આ કામગીરી અંતર્ગત ૬૦૦ જેટલા વીજમીટરોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૪૦ જેટલા વીજ મીટરોમાં ગેર રીતિ થઇ હોવાનુ જણાતા આ 40 જેટલા વીજ ગ્રાહકો પાસેથી રૂ. 6 લાખ ઉપરાંતની વીજચોરી વીજ ચેકિંગ દરમિયાન પકડાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુરત કોર્પોરેટ કચેરી દ્વારા વીજચોરી ઝડપી પાડવા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે મુજબ 22 જેટલી વીજીલન્સ વીજ ટીમોએ આ ગામોમાં આકસ્મિક વિજ ચેકિંગ હાથ ધર્યુ હતુ. વીજ વિભાગ દ્રારા વીજચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમના વીજ કનેક્શન કાપીને વીજ મીટરો જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વીજ થાંભલાઓ પર નાંખેલ લંગરીયાના કેબલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજ ટીમો દ્વારા કરાયેલા આકસ્મિક વીજ ચેકિંગમાં મોટી ગેરરીતિઓ પકડાતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ