ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડીનાં પાંચ જેટલા યુવાનો ગઇ તા.૧૦ ઓક્ટોબરનાં રોજ જુનાપોરા ગામ નજીક નર્મદા નદીમાં માછલી પકડવા ગયા હતા. યુવાનો તેમની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે નદીમાં એકાએક એક મગરે હુમલો કરીને આ પાંચ યુવાનો પૈકી દિનેશ ડાહ્યાભાઈ વસાવા નામના ૩૫ વર્ષીય યુવાનને નદીમાં ખેંચી ગયો હતો. તેની સાથેના યુવાનોએ દિનેશને મગરની પકડમાંથી છોડાવવા પ્રયત્ન કર્યા પણ તેમાં સફળતા ન મળતા મગર યુવાનને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. બાદમાં ત્રીજા દિવસે યુવાનનો ખવાયેલો મૃતદેહ નદીમાં તરતો મળ્યો હતો. રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઇ વસાવાના જણાવ્યા મુજબ તાજેતરમાં સરકાર તરફથી મૃત યુવાનની પત્ની સવિતાબેન વસાવાને ભરૂચ વનવિભાગની ઓફિસ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે રૂ. 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ વનવિભાગના ડી.એફ.ઓ.રાજ પટેલ તેમજ આર.એફ.ઓ. વિજયભાઇ તડવી ઉપસ્થિત રહ્યા હતા. મૃતકની પત્નીને રાહત રૂપે રૂ. 4 લાખનો ચેક અપાતા આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ભરૂચ : મગરનો ભોગ બનેલ રાજપારડીનાં યુવાનની વિધવાને સાંસદનાં હસ્તે 4 લાખનો ચેક અર્પણ કરાયો.
Advertisement