અંકલેશ્વરથી રાજપીપળા હરસિધ્ધિ મંદિર ખાતે નવા વર્ષે દર્શનાર્થે પગપાળા યાત્રાએ જઇ રહેલા બાર પદયાત્રીઓ પૈકી છ ને એક બાઈકચાલકે અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા. જે પૈકી બે ને વધુ સારવાર માટે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ શાંતિનગર ખાતે રહેતા ટેમ્પો ચાલક શૈલેન્દ્ર સિંહ રાજપુત તા.૧૪ મી ની રાત્રે અંકલેશ્વરથી તેમના પરિવાર તથા સોસાયટીના અન્ય પાડોશીઓ સાથે રાજપીપળા હરસિધ્ધિ માતાના દર્શન કરવા માટે પગપાળા યાત્રાએ નીકળ્યા હતા. રાજપારડી ખાતે તેમના સંબંધીઓએ તેઓને ચા-નાસ્તો કરાવ્યા બાદ તેઓ રાજપારડીથી આગળ સારસા ગામ પાસેથી પસાર થતા હતા, તે દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના એક બાઇક ચાલકે તેમની પાછળથી આવીને બાઈકથી આ પગપાળા ચાલતા યાત્રિકોને ટક્કર મારી હતી. પગપાળા જતા બાર યાત્રિકો પૈકી છ યાત્રિકો બાઇકની ટક્કરમાં આવતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને બે એમ્બ્યુલન્સ મારફતે અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના બાબતે અંકિત શૈલેન્દ્રસિંહ રાજપૂતે બાઇક ચાલક સુમિત રાજેશભાઈ રોહિત ગામ ચીપાડ તા. કવાંટ જી. છોટાઉદેપુર વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ