નવા વર્ષની શરૂઆતે પહેલા દિવસે જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં મારામારીની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે. મળતી વિગતો મુજબ મારામારીની પહેલી ઘટનામાં તાલુકાના પાણેથા ગામે રહેતા ખોડાભાઈ રામસિંગભાઈ વસાવા ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પાણેથા ગામમાં ચાલતા સટ્ટા બેટિંગ તેમજ આંકડાઓના જુગાર બાબતે ખોડાભાઈએ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરી હતી. ગતરોજ તેઓ ફીચવાડા થઈ વડીયા તળાવવાળા રોડ પર પાણેથા ગામે જવા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં તેમની બાઇકની ચેઇન ઉતરી જતા તેઓ ચેઇન ચઢાવતા હતા. તે દરમિયાન પાણેથા ગામના અલ્તાફ, ચાંદખાન અને મયુર વસાવા નામના ઈસમો ઈકો ગાડી લઇને આવ્યા હતા. ઈકોમાં આવેલા આ ત્રણ ઈસમો પૈકી ચાંદ ખાને ખોડાભાઈને બરડાના ભાગે જોરથી સપાટો માર્યો હતો જેથી તેઓ બેભાન થઈ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમની પત્નીને ખબર પડતાં ખોડાભાઈને તેઓ ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. બાદમાં તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે લઇ જવાયા હતા. આ અંગે ખોડાભાઈ રામસંગભાઇ વસાવાએ અલ્તાફ મલંગ મલેક, ચાંદખાન ઇમામખાન પઠાણ અને મયુર રમેશભાઈ વસાવા ત્રણે રહેવાસી ગામ પાણેથા તા. ઝઘડિયા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જ્યારે મારામારીની બીજી ઘટનામાં તાલુકાના તવડી ગામે રહેતા જીતેન્દ્રભાઈ બચુભાઈ વસાવા ગઇકાલે તેમના ઘરે હતા, તે દરમિયાન ગામનો કિશન વસાવા તેમના ઘર નજીકથી પસાર થતો હતો ત્યારે જીતેન્દ્રભાઈ એ કિશનને જણાવેલ કે મારી છોકરીને ભગાડવામાં તારો હાથ છે. આ સાંભળીને કિશન ગમેતેમ ગાળો બોલ્યો હતો અને જણાવતો હતો કે તું મારું નામ લેતો નહીં. તારી છોકરીને ભગાડવામાં મારો હાથ નથી, તેમ કહીને જતો રહ્યો હતો. ત્યારબાદ બપોરના સમયે કિશન તેના કાકા વિજય વસાવા અને બનેવી કિરણ વસાવાને લઇને જીતેન્દ્રભાઈના ઘેર આવ્યો હતો અને ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો.આ દરમિયાન કિશનના કાકા વિજય વસાવાએ જીતેન્દ્ર ભાઈને તમાચો મારી દીધો હતો અને કહ્યુ હતુ કે મારા ભત્રીજાનું નામ કેમ લે છે ? તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન કિશનના બનેવી કિરણ વસાવાએ તેની પાસેનુ ચપ્પુ જીતેન્દ્રભાઈના કમરના ભાગે મારી દેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત જીતેન્દ્ર ભાઈને એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા. બાદમાં વધુ સારવારની જરૂર જણાતા તેઓને રાજપીપળા સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ અંગે જીતેન્દ્રભાઈ બચુભાઈ વસાવાએ કિશન ભરતભાઈ વસાવા, વિજય બાલુભાઈ વસાવા રહે. તવડી તા. ઝઘડિયા અને કિરણ કાંતિભાઈ વસાવા રહે. ભીલવાડા તા. નાદોદ જિ.નર્મદા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ