ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસ પર ટોળા દ્વારા હુમલો કરવાની ઘટનામાં ઝઘડિયા પોલીસે ગતરોજ એક મહિલા સહિત બે મળી કુલ અત્યાર સુધીમાં ૧૪ આરોપીઓની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે તારીખ ૨૮ મી ના રોજ વહેલી સવારે ગુમાનદેવ મંદિરના ગેટ સામે ઉભેલા મુસાફરોને અજાણ્યા હાઇવા ચાલકે અડફેટે લીધા હતા. જેમાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટના બાદ આજુબાજુના ગ્રામજનો વિફર્યા હતા અને તાત્કાલિક સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી મંદિરના ગેટ પર સીસીટીવી કેમેરા કેમ ચાલતા નથી, તેમ કહીને મંદિરના મહંત મનમોહનદાસને મંદિરમાંથી બહાર લાવી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેના સંદર્ભમાં મંદિરના મહંતે આઠ ઈસમો વિરુદ્ધ નામજોગ અને ૫૦ થી ૬૦ પુરુષોનું ટોળું તથા ૨૦ થી ૩૦ મહિલાઓના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઝઘડિયા પોલીસ દ્વારા પહેલા ૩ ની અને ત્યારબાદ વધુ ૬ ની ધરપકડ કરી હતી. ગતરોજ ઝઘડિયા પોલીસ દ્વારા વધુ બે ઇસમોની તથા એક સગીરની ધરપકડ થતા ગુમાનદેવ મંદિર પર હુમલાની ઘટનામાં અત્યાર સુધી કુલ ૧૪ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા નયનાબેન જેસંગભાઈ પટેલ ઉ.વ ૫૫ અને પંકજ રમણભાઈ પટેલ ઉ.વ ૩૬ ને ઝઘડિયા કોર્ટમાં હાજર કરવાની કાર્યવાહી ઝઘડિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ