ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામે ઝઘડાની રીસ રાખીને શેરડીનો પાક સળગાવી દેવાની ઘટના બની છે. ખરચી ગામની મહિલા ખેડૂતના કપલસાડી વગામાં આવેલ ખેતરમાં ત્રણ એકરમાં વાવેતર કરેલ શેરડીનો પાક અન્ય ઇસમોએ સળગાવી દેતા ખેડૂતને લાખો રૂ.નું નુકસાન થયુ છે. બાદમાં આ મહિલા ખેડૂતે ખરચી ગામના ત્રણ ઇસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વિગતો મુજબ આજથી એક માસ અગાઉ આ મહિલા ખેડૂત પ્રેમીલાબેનને ખરચી ગામના અનોપ વસાવા, ઠાકોર વસાવા અને લવાભાઈ વસાવા સાથે ઝઘડો થયેલો હતો. ગતરોજ પ્રેમીલાબેન બપોરના સમયે તેમના કપલસાડી વગામાં આવેલ ખેતરમાં શેરડીનું વાવેતર કરેલ છે ત્યાં ચાર લેવા ગયા હતા. ચાર લઈ પરત ફરતા હતા ત્યારે તેમને રસ્તામાં ખરચી ગામના અનોપ, ઠાકોર તથા લવાભાઈ નામના ઈસમો મળેલા. ચાર લઇ પ્રેમીલાબેન ઘરે આવ્યા બાદ તેમના પુત્ર હાર્દિકનો તેમના પર ફોન આવેલ અને જણાવેલ કે કપલસાડી ગામની સીમમાં તળાવવાળા ખેતરમાં આપણી શેરડી સળગે છે, જેથી તેમના ભત્રીજા નિલેશ સાથે તેઓ ખેતરે જવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને તેમના અન્ય ભત્રીજાઓ ઉમેશ, હેમંત તથા તેમના જેઠ ઇશ્વરભાઇ સામા મળ્યા હતા અને કહેતા હતા કે તમારા આખા ખેતરની શેરડી સળગી ગયેલ છે તમારે હવે ખેતર જવાની જરૂર નથી. તેમ કહેતા પ્રેમીલાબેન પરત ઘરે આવતા રહ્યા હતા. શેરડી સળગી જવાના કારણે આ મહીલા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. પ્રેમીલાબેન ભગવાનભાઈ પટેલે (૧) અનુપ વસાવા (૨) ઠાકોર સુકા વસાવા (૩) લવાભાઈ સરાધભાઈ વસાવા ત્રણે રહેવાસી ખરચી તા. ઝઘડીયા વિરુદ્ધ એક માસ અગાઉ તેમની સાથે ઝઘડો થયેલો હોય તેની રીસ રાખીને તેમના ખેતરમાં વાવેતર કરેલ શેરડી સળગાવી દીધી હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ