ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં દુમાલા માલપુર ગામે એક યુવકનો ખેતરના શેઢા પર ફાંસો ખાધેલ હાલતમાં લટકતો મૃતદેહ મળ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ દુમાલા માલપુર ગામે રહેતી પુષ્પાબેન વસાવાના પતિનું અવસાન થયા બાદ તે ખેત મજૂરી કરીને કુટુંબનું ગુજરાન ચલાવે છે. તા.6 નવેમ્બરના રોજ પુષ્પાબેન અને તેમનો પુત્ર કિરણ ગામમાં ભજનમાં ગયા હતા. તેમના ગામનો સુનિલ વસાવા નામનો ઇસમ પણ ભજનમાં આવ્યો હતો. દસેક વર્ષ પહેલા કિરણને સુનિલની પત્ની સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખીને અગાઉ પણ સુનીલે તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ફરીથી તે દિવસે પણ તેણે કિરણ સાથે ઝઘડો કરીને ગાળાગાળી કરી હતી. પુષ્પાબેને સુનીલને ગાળો બોલવાની ના પાડતા તેણે પુષ્પાબેનને પણ એક થપ્પડ મારી દીધી હતી. દરમિયાન પુષ્પાબેન પોતાના પુત્રને લઇ ઘેર આવ્યા હતા. ત્યારબાદ સુનિલે ફરીથી તેમના ઘરે જઇને કિરણ સાથે મારઝૂડ કરી હતી. બાદમાં કીરણ ઘરેથી જતો રહેતા તે વધુ મારની બીકે ઘરેથી જતો રહ્યો હોવાનું મનાય છે. તા. ૮.૧૧.૨૦ ના રોજ પુષ્પાબેનના જમાઈ ઇશ્વરભાઇએ તેમને જાણ કરી હતી કે કિરણનો મૃતદેહ ખાખરાવાળા સીમાડામાં ખેતરના શેઢા પર આવેલા લીમડાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકે છે. તેથી પુષ્પાબેને ઘટના સ્થળે પહોંચીને ઝઘડિયા પોલીસને જાણ કરી હતી. બાદમાં પુષ્પાબેને ઝઘડિયા પોલીસમાં પોતાના પુત્રના મોત બાબતે કાયદેસર તપાસ થવા ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ