ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં બે ગામોએ બે અલગ-અલગ મારામારીની ઘટનાઓ બનતા ઝઘડીયા અને ઉમલ્લા પોલીસ મથકોએ ફરિયાદો નોંધાવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકામાં વિતેલા બે દિવસ દરમિયાન મારામારીની બે અલગ-અલગ ઘટનાઓ બનવા પામી છે. જે પૈકી એક ઘટનામાં ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામે રહેતા અશોકભાઈ શનાભાઇ વસાવા મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેઓ ઘેર હતા તે વખતે તેમના ગામના મીઠીયા શનાભાઇ વસાવા અને મંછીભાઈ મંગાભાઈ વસાવા નામના બે ઇસમો આવીને કહેવા લાગ્યા કે તે અમોને મજૂરીના પૈસા આપેલ નહીં, એમ કહીને તેમની સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. અશોકભાઈએ પૈસા આપવાની ના પાડતા મીઠાભાઇ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને તેના ઘરેથી લાકડી લાવી ઘુંટણના ભાગે બે ત્રણ સપાટા મારી દીધા હતા, જેનાથી અશોકભાઈ નીચે પડી ગયા હતા. ઉપરાંત તેનું ઉપરાણું લઇને મંછીભાઇ વસાવાએ ગમેતેમ ગાળો બોલીને અશોકભાઈને પકડી રાખી ઢીકાપાટુનો માર મારેલો. આ દરમિયાન અશોકભાઈની માતા તેને છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ બંને ઈસમો ગમેતેમ ગાળો બોલીને જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત અશોકભાઈ વસાવાને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. આ અંગે અશોક શનાભાઇ વસાવાએ મીઠીયાભાઈ વસાવા અને મંછીભાઈ મંગાભાઈ વસાવા બંને રહે. ગામ મોટાસાંજા તા. ઝઘડિયા વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મારામારીની બીજી એક ઘટનામાં તાલુકાના વાંકોલ ગામે રહેતા ગંગારામ કાલિદાસ વસાવા ગામની પ્રાથમિક શાળાએ બેઠા હતા અને વાતો કરતા હતા, તે દરમિયાન ગંગારામ વસાવાએ તેની સાથેના મહેશ દેવીસિંહ વસાવાને વાતો વાતોમાં કહેલ કે તું છોકરીઓની દલાલી કરે છે તું તારા ધંધા બંધ કર. તેમ કહેતા મહેશ ગંગારામ પર ગુસ્સે થઈ ગયેલો અને ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. મહેશનું ઘર નજીક હોઇ, તે ઘરેથી ચપ્પુ લઇ આવીને ગંગારામને કપાળ, છાતી તેમજ પેટના ભાગે ચપ્પુના ઘા મારી દેતા તે ઈજાગ્રસ્ત થયો હતો. ગંગારામના માતા-પિતાને ખબર પડતા તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ દરમિયાન મહેશ વસાવા હાથમાં ચપ્પુ લઇને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત ગંગારામને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા તેને રાજપીપલાના સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ગંગારામ કાલિદાસ વસાવાએ મહેશ દેવસિંગ વસાવા વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ