ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના વણાકપોર ગામે રહેતા મહેબૂબખાન અહેમદખાન સોલંકીની પુત્રી આરઝુબેનના લગ્ન તેમના ગામમાં જ રહેતા સકલેન મુસ્તાક સોલંકી નામના યુવાન સાથે થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સકલેન મુસ્તાકના પરિવારજનો દ્વારા લગ્ન સમયે યુવતીના પરિવાર પાસે દહેજમાં સોનાનો અછોડો, વિટી, વોશિંગ મશીન, ટીવી, ડાઈનીંગ ટેબલ, હીંચકો વગેરે માંગેલ જે વસ્તુઓ આરઝુબેનના પરિવારજનો આપી શક્યા ન હતા. આરઝુ તથા સકલૈન મુશ્તાકના લગ્નના એક માસમાં જ તેના સાસુ-સસરા હસીનાબેન તથા હમીદભાઇ તેને ઘરમાં વહેલા ઉઠી કામ કરવા બાબતે અપશબ્દો તેમજ તેના માતા-પિતા માટે પણ ગમે તેમ બોલતા હતા. અવાર-નવાર આવી રીતે સાસરીયાઓની બોલાચાલી દરમિયાન આરઝુએ તેમણે જણાવેલ કે હું તમારું બધું કામ કરું છું તેમ છતા તમે કેમ આવું બોલો છો ? જેથી તેના પતિ સકલૈન મુશ્તાકે તેને તમાચા પણ માર્યા હતા અને કહ્યુ હતુ કે તું તારા ઘરે ચાલી જા મારે તારી જરૂર નથી, તેમ કહીને તેને બહાર કાઢી મુકી હતી. એક-બે મહિના તેના પિયરમાં રહ્યા બાદ તેના પિતાએ તેની સાસરીવાળાને તેડી જવા માટે જણાવેલ. બાદમાં થોડા દિવસ આરઝુ સાથે સારી રીતે રહ્યા બાદ તેના સાસુ સસરા નાનીમોટી વાતમાં તેની સાથે ઝઘડો કરતા અને તેનો પતિ પણ તેમનું ઉપરાણું લઇને ઝઘડો કરતો હતો. તેની માસી સાસુ ઝુબેદાબેન મનસુરભાઈ સોલંકી પણ તેમના ઘરે બેસવા આવતા ત્યારે તેને જણાવતા હતા કે પતિ મારે તો માર ખાવો પડે. તેના મોટા સસરાના પુત્રો હનીફ સોલંકી, રાહેજા સોલંકી, ઇલ્યાસ સોલંકી તેની સાસુને જણાવતા કે વધારે માથાકૂટ કરે અને કામ ના કરે તો છુંટુ આપી દેવાનું. તેની નણંદ સલમાબેન સમીરભાઈ પરમાર જે લસુન્દ્રા ગામે રહે છે, તે પણ વાર તહેવારે અવાર-નવાર વણાકપોર ગામે આવીને કહેતા હતા કે મારા પતિ વકીલ છે હું તને જેલમાં પુરાવી દઇશ, તેમ કહીને ત્રાસ આપતા હતા. તેના સાસુ-સસરા તેને ઘરની બહાર નહીં નીકળવાનું, ટીવી નહીં જોવાનું, કોઈની સાથે આજુબાજુમાં કોઈ સંબંધ નહીં રાખવાનો એવુ કહીને માનસિક ત્રાસ આપતા હતા અને તેનો પતિ પણ જણાવતો હતો કે મને સમય નથી. તારી સાથે કોઈ વ્યવહાર રાખવો નથી, તેમ કહી છેલ્લા બે વર્ષથી આરઝુને માનસિક તેમજ શારીરિક ત્રાસ સાસરીયાઓ દ્વારા ગુજારાતો હતો. ગયા માર્ચ મહિના દરમિયાન તેના સસરા બહારગામથી આવી દરવાજો ખખડાવતા હતા. જેથી ઘરનો દરવાજો તેના પતિએ ખોલતાં તેના સસરા ઘરમાં આવી તેને અપશબ્દો કહેવા લાગેલા અને તેના પતિએ તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી માર માર્યો હતો અને તેને પહેરેલા કપડે જ ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. સામાજિક દહેજ પ્રથાની બદી અને સાસરિયાઓના ત્રાસથી કંટાળેલા આરઝુબેન સકલેન મુસ્તાક સોલંકીએ રાજપારડી પોલીસ મથકમાં તેના પતિ સકલૈન મુશ્તાક સોલંકી, સસરા હમીદભાઇ સોલંકી, સાસુ હસીના હમીદભાઈ સોલંકી, હનીફ મનસુર સોલંકી, રાહેજા સોલંકી,ઇલ્યાસ મનસુર સોલંકી, જુબેદા મનસુર સોલંકી, તમામ રહે. વણાકપોર તા. ઝઘડિયા જી. ભરૂચ અને સલમા સમીરભાઈ પરમાર રહે. લસુન્દ્રા તા. સાવલી જી. વડોદરા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ