ચાલુ સાલે ચોમાસુ પુરુ થયા બાદ પણ બજારોમાં જોઇએ તેવો ઘરાકીનો માહોલ નહિ નીકળતા વેપારી આલમમાં ચિંતા જણાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બજારોમાં પણ ઘરાકી જોઇએ તેવા પ્રમાણમાં નથી દેખાતી. તેને લઇને તાલુકાનો વેપારી વર્ગ ચિંતામાં દેખાય છે. ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા એ ત્રણ મહત્વના વેપારી મથકો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી જનતા વિવિધ જરુરી ચીજ વસ્તુઓની ખરીદી માટે આ ત્રણ નગરોના બજારોમાં આવતી હોય છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસુ પુર્ણ થયા બાદ નવરાત્રી સમયથી બજારોમાં ધીમે ધીમે તેજીનો માહોલ શરુ થાય છે, અને દિવાળીના અઠવાડિયા પહેલા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બજારોમાં સારા પ્રમાણમાં ઘરાકી નીકળે છે. જોકે ચાલુ સાલે કોરોના મહામારીને લઇને લોકડાઉન જાહેર કરવુ પડ્યુ હતુ. લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર બંધ રહ્યા ઉપરાંત ઘણા શ્રમિકોની આવક પણ બંધ રહેતા સ્વાભાવિક રીતે તેની અસર બજારો પર પડેલી દેખાય છે. ઝઘડીયા તાલુકાના વેપારી આલમમાં ચર્ચાતી વાતો મુજબ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી જોઇએ તેટલા પ્રમાણમાં લોકો આવતા નથી તેથી બજારોમાં ઘરાકીનો અભાવ દેખાય છે.કેટલાક વેપારીઓ મુંઝવણમાં છે કે દિવાળીને લઇને માલ સામાનની ખરીદી કેટલા પ્રમાણમાં કરવી ? જો માલનો વધુ સ્ટોક કરાય છતાં જો ઘરાકીમાં મંદીનો પ્રશ્ન રહે તો આગળ ઉપર નાણાંની ચુકવણી કેવી રીતે કરવી તેનો પણ સવાલ ઉભો થઇ શકે.આમ ઝઘડીયા તાલુકાના રાજપારડી ઝઘડીયા અને ઉમલ્લાના બજારોમાં હાલ જણાતા મંદીના માહોલમાં તેજી આવે તોજ વેપારી વર્ગની ચિંતા દુર થઇ શકે.અને તેને માટે બજારો તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જનતાની અવરજવરથી ધબકતા થાય તો જ મંદીનું મોજુ દુર થઇ શકે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ