ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે કૃષિ સુધારા બિલ અંતર્ગત ખેડૂતોને સમજ આપવા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર સરકારે ખેડુતોના હિત માટે અને તેમની આવક બમણી કરવા માટે જ કૃષિ સુધારા બિલ ૨૦૨૦ પસાર કર્યુ છે, તેમ જણાવીને તેને લગતી વિસ્તૃત માહિતી ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ આપી હતી. સાથે સાથે ખેડુતોને ગુજરાત સરકારની સાત પગલા ખેડુત કલ્યાણ યોજના, આદિજાતિ વિભાગની દુધાળા પશુઓની યોજના, સિંચાઈની સુવિધા, ગુજરાત પેટર્નની યોજના, મહિલા અને બાળ કલ્યાણ જેવી વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ વિષે ખેડુતોને માહિતગાર કરવામા આવ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ વસાવા, ભાજપા અગ્રણીઓ રશ્મિકાન્ત પંડ્યા, નરેન્દ્રભાઈ વસાવા, ભુપેન્દ્રસિંહ રાઠોડ, દિનેશભાઇ વસાવા, સંજયભાઇ વસાવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રેના સરકારી દવાખાનામાં ૧૨ લાખના ખર્ચે તૈયાર થયેલ રોડનું સાસદે લોકાર્પણ કર્યુ હતુ. ઉપરાંત નવા બનાવવામાં આવનાર બગીચાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ કૃષિ સુધારા બીલ અંગેની સાચી સમજ મેળવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ