ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ જીઆઇડીસીની એક કંપનીમાંથી તસ્કરો બે નંગ મોટર, બે નંગ વાલ્વ અને ૪૦૦ કિલો ગ્રામ આઇબીમ ચેનલ મળી ૩૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા છે. તાલુકામાં અવારનવાર બનતા ઘરફોડ અને સીમચોરીઓનાં બનાવોથી જનતા ચિંતિત બની છે. મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ દેવ સત્ય ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની માઇક્રો ક્રિસ્ટલાઇન સેલ્યુલોઝનું ઉત્પાદન કરે છે. ગઇકાલે કંપનીના માલિક અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલને કંપનીના મેનેજર મનોજભાઈ ઝાએ ફોન કરીને કહ્યુ હતુ કે આપણી કંપનીમાં ચોરી થઇ છે. આ સાંભળીને કંપનીના માલિક અશ્વિનભાઈએ કંપની પર જઇને તપાસ કરતા જાણવા મળ્યુ કે પાંચ જેટલા કોઈ અજાણ્યા ઈસમો કંપનીમાંથી ચોરી કરી જતા હોવાનું બાજુની કંપનીના સીસીટીવી કેમેરામાં જણાયુ હતું. ત્યારબાદ કંપનીમાં તપાસ કરતા ખબર પડી કે આ પાંચ જેટલા અજાણ્યા ઈસમો કંપનીમાંથી બે નંગ મોટરો, બે નંગ વાલ્વ તથા ૪૦૦ કિલો નાની-મોટી આઇબીમ ચેનલોની ચોરી કરી ગયા હતા. કંપનીમાંથી સામાનની ચોરી થઇ હોવાની ખાતરી થતા કંપનીના માલિક અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ