ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના લીંભેટ ગામે ઝઘડી રહેલા ભાણેજ અને વહુને ઝઘડો કરવાનું ના કહેતા ભાણેજ વહુએ મામાને માથામાં લાકડુ મારતા તેને છ જેટલા ટાંકા આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે રહેતા રવિભાઈ ભીખાભાઈ વસાવા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામમાં જ રહેતો તેમનો ભાણેજ કિશન કાસમભાઈ વસાવા તેની પત્ની કૈલાશનો અન્ય કોઈ સાથે પ્રેમ સંબંધ હોય તેઓ અલગ રહે છે. દરમિયાન ગઇકાલે રવિભાઈ તેમના સંબંધીના ઘરેથી પાછા આવતા હતા ત્યારે મંદિર ફળિયામાં રહેતી તેમની ભાણેજ વહુ કૈલાશબેન તથા તેની પુત્રી સુમિત્રાબેન રવિભાઈના ભાણેજ કિશન સાથે ગાળાગાળી કરી ઝઘડો કરતા હતા. આ જોઇને રવિભાઈએ કૈલાશ અને સુમિત્રાને જણાવેલ કે ગાળો કેમ બોલો છો ? તેમ કહેતા સુમિત્રા રવિભાઈ સાથે બાથંબાથી કરવા લાગેલ હતા. ભાણેજ વહુ કૈલાશે બાજુમાં પડેલું લાકડું લઈને રવિભાઈને માથાના ભાગે મારી દેતાં તે લોહીલુહાણ થયા હતા. ત્યારબાદ તેઓ ઘરે જતા તેમને ચક્કર આવી ગયા હતા. જેથી એમ્બ્યુલન્સ મારફતે તેમને વાલીયા ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. રવિભાઈને છ જેટલા ટાંકા માથાના ભાગે આવ્યા હતા. મારનો ભોગ બનેલ રવિભાઈ ભીખાભાઈ વસાવાએ કૈલાસબેન કિશનભાઇ વસાવા અને સુમિત્રાબેન અમરસિંગ વસાવા બંને રહેવાસી લીંભેટ તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ