ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની સીમમાં અવારનવાર થતી સીમચોરીઓના પગલે ખેડૂતો પરેશાન થઇ રહ્યા હોવાની વાતો જાણવા મળી છે. સીમચોરીની પરંપરા યથાવત રાખવા માંગતા હોય તેમ રાજપારડી ગામના ખેડૂતના ખેતરમાંથી સિંચાઈના સાધનોની ચોરી થવા પામી છે. ચોરીની આ ઘટનામાં ડ્રીપ ઈરીગેશનની સિસ્ટમ અને તેના પાઇપ મળી કુલ રૂપિયા ૨૬,૦૦૦ ની મત્તાની ચોરી થઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રહેતા ઋષિત હસમુખભાઈ પટેલ ખેતી કરે છે. આ ખેડૂતનું એક ખેતર ભૂંડવા ખાડી વગામાં આવેલ છે. આ ખેતરમાં તેમણે સિંચાઈ માટે ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ ફીટ કરાવેલ છે. ગઇકાલે તેઓ બપોરના સમયે ખેતરે ગયા હતા તે સમયે બોરવેલ પાસે લગાડેલ ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ અને ડ્રીપ એરીગેશનના પાઈપો બહાર કાઢી મુકેલા હતા જે દેખાયા ન હતા. તેમણે આજુબાજુમાં તપાસ કરતાં ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ તથા પાઈપો મળી આવેલ નહીં જેથી તેમણે તેમના સિંચાઇના સાધનો ચોરી થઇ હોવાની ખાતરી થઇ હતી. ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ તથા તેના પાઇપ મળી કુલ રૂ ૨૬,૦૦૦ ના સાધનોની ચોરી થતા તેમણે રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ