ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે મજૂરો વચ્ચે રેતી ભરવાની બાબતે ઝઘડો થતાં એક મજૂરે બીજા મજૂરને તેના હાથમાં પાવડો માથાના ભાગે મારી દેતા તે ઇજાગ્રસ્ત થયો હતો. વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે એક ટ્રકમાં રેતી ભરવાની હોવાથી જૂની તરસાલી ગામના ગુલામહુસેન કાસમભાઈ મલેકે ધર્મેન્દ્ર કાનજીભાઈ વસાવા તથા અન્ય મજૂરોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ટ્રક માલિકે ધર્મેન્દ્ર વસાવાને જણાવ્યું હતું કે તમે દસ મજૂરો ભેગા મળી ટ્રકમાં રેતી ભરી આપો. જેથી ધર્મેન્દ્ર વસાવાએ જણાવેલ કે મારે રામુ મંગાભાઈ વસાવા તથા અક્ષય બચુભાઈ વસાવા સાથે અણબનાવ છે. જેથી અમે તેમના સાથે રેતી ભરવા માટે આવવાના નથી. જેથી રામુ તથા અક્ષય ધર્મેન્દ્ર સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગેલા તે દરમિયાન અક્ષય વસાવાએ તેના હાથમાંના પાવડાની મુંદર ધર્મેન્દ્ર વસાવાને માથાના ભાગે તથા બરડાના ભાગે મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રને પહેલા ભાલોદ ખાનગી દવાખાને તથા વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે અવિધા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને માથાના ભાગે પાંચ જેટલા ટાંકા આવ્યા હતા. આ ઘટના બાબતે ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ વસાવાએ રામુ મંગાભાઈ વસાવા અને અક્ષય બચુભાઈ વસાવા બંને રહેવાથી જૂની તરસાલી તાલુકો ઝઘડિયા વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી