ઝઘડીયા પંથકમાં ચોરીના બે અલગ અલગ બનાવો બનતા આ અંગે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.મળતી વિગતો મુજબ ઝઘડીયા જીઆઇડીસીમાં વેલીયન્ટ ઓર્ગનીક નામની કંપનીમાંથી કોઈ અજાણ્યા ચોર કંપનીના પેનલ રૂમમાંથી ૬૬ નંગ કોન્ટેક કીટ ચોરી ગયા હતા. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વેલીયન્ટ ઓર્ગનીક કંપની ઓર્ગેનિક કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. ચાલુ સપ્તાહ દરમિયાન કંપનીના ઇલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટના ટેકનિશિયન વિભાગના કામ કરતા કર્મચારીઓએ કંપનીના મેનેજરને ઈલેક્ટ્રીક એમસીસી પેનલ રૂમમાંથી કોન્ટેક્ટ કિટની ચોરી થયા હોવાની જાણ કરી હતી. જેથી એજ્યુકેટીવ મેનેજરે કંપનીના ઇલેક્ટ્રીક એમસીસી પેનલ રૂમમાં તપાસ કરતાં અલગ અલગ ઇલેક્ટ્રીક બોર્ડમાંથી કોન્ટેક કીટ ચોરી થયેલ હોવાનું જણાયુ હતું. કુલ ૬૬ કોન્ટેક કીટની ચોરી થતા કંપનીને અંદાજે ૩,૫૫,૭૯૫ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. કંપની દ્વારા આ અંગે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ચોરીના બીજા બનાવમાં ઝઘડિયા ગામના રાજપૂત ફળિયામાં રહેતા પ્રવિણસિંહ નકુમના મકાનના લોખંડના દરવાજાનો નકુચો તોડી કબાટ ખોલીને તેમાંથી સોના ચાંદીના ઘરેણા તથા ચાંદીના સિક્કા તથા રોકડા રૂપિયા મળી ૪૨,૨૫૦ જેટલો મુદ્દામાલ ચોરાયો હતો. વિગતો અનુસાર ઝઘડિયા ગામના રાજપૂત ફળિયામાં રહેતા પ્રવિણસિંહ અભેસિંહ નકુમના પરિવારના સભ્યો ગઇકાલે રાત્રે જમીને મકાનના ઉપરના માળે સૂઈ ગયા હતા. વહેલી સવારે તેમના પત્ની નીચે આવતા તેમના ઘરના લોખંડના દરવાજાને મારેલ તાળાનો નકુચો તુટેલો દેખાયો હતો. કોઈ અજાણ્યા ચોર કોઇ સાધન વડે નકુચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હોવાનું જણાતા ઘરમાં તપાસ કરતા ઘરમાં આવેલા કબાટમાંથી સોના ચાંદીના ઘરેણા તથા સિક્કા તથા રોકડા રૂપિયાની ચોરી થઇ હોવાનું જણાયુ હતું. મકાન માલિકે સોનાના ઘરેણા ચાંદીના સિક્કા તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૪૨,૨૫૦ જેટલો મુદ્દામાલ ગુમાવ્યો હતો. આ અંગે પ્રવિણસિંહ ગંભીરસિંહ નકુમે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ