ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી વિધવા સાથે તાલુકાનાં તલોદરા ગામના જયેશ વાળંદ નામના ઈસમે પ્રેમસંબંધ બાંધી તેને લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તે ઇસમે વિધવા યુવતી સાથે લગ્નની ના પાડી અન્ય યુવતી સાથે પ્રેમ રાખતા વિધવા યુવતીએ આ બાબતે જયેશને રોક્યો હતો. જેથી તે ઉશ્કેરાઇ જઇ મહીલાને માર માર્યો હતો. તેમજ જયેશના મિત્ર તુષાર પટેલે પણ આ મહીલા સાથે સંબંધ રાખવાની માંગણી કરી હતી. જે બદલ આ યુવતીએ બંને વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના જીઆઇડીસી નજીકના એક ગામમાં રહેતી ૨૯ વર્ષીય આ યુવતીના પતિ ચાર વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. આ યુવતી બે સંતાનોની માતા છે. ભોગ બનનાર આ મહિલા ઝઘડીયા જીઆઇડીસી ખાતે એક કંપનીમાં નોકરી કરે છે. આ યુવતી તેના પુત્રના વાળ કપાવવા માટે અવારનવાર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ તલોદરા ગામના જયેશ ગણપતભાઇ વાળંદની દુકાને જતી હતી. તે દરમિયાન તેને જયેશ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જયેશ અને વિધવા મહિલાના પ્રેમ સંબંધ દરમિયાન અનેક વખત તેમણે શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન જયેશે વિધવા મહિલાને અપનાવીને જીવનભર સાથ આપવાનું કહીને તેની સાથે સંબંધ બાંધ્યો હતો અને તે વિધવા મહિલાને અવારનવાર બોલાવતો હતો. તે દરમિયાન જયેશે એક વખત તેની આંગળીમાંથી લોહી કાઢી વિધવા મહિલાના માથામાં સિંદૂર પૂર્યુ હતુ અને તું મારી પત્ની છે તેમ કહ્યું હતું. તા.૪.૮.૨૦ ના રોજ વિધવા મહિલા જયેશના ગામ તલોદરા ગઈ હતી અને જયેશને જણાવ્યું હતું કે તું અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે અને મને રાખવાની ના પાડે છે. આ વિધવા મહિલાએ આ મુજબ કહેતા જયેશ વાળંદે ગુસ્સે થઇને ગમેતેમ ગાળો બોલી વિધવા મહિલાને માર મારીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તા. ૧૨-૯-૨૦ ના રોજ જયેશનો વિધવા મહિલા પર ફોન આવેલો અને પછી તે મહિલાના ઘરે ગયો હતો અને તેને લઇને નિકોલી ગામના જંગલ જેવા વિસ્તારમાં લઇ ગયો હતો. ત્યાં પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી વિધવા મહિલાને એમ લાગ્યું હતું કે જયેશ તેનો શરીર સંબંધ રાખવા પુરતો ઉપયોગ કરે છે. તે દરમિયાન જયેશના તુષાર રમેશભાઈ પટેલ નામના મિત્રએ આ વિધવા યુવતીને ફોન કરી કહ્યુ હતુ કે તું મારી સાથે આવજે હું તને રૂપિયા આપીશ. એમ કહીને શરીર સંબંધ રાખવાની માંગણી કરી હતી. જેથી ભોગ બનેલી આ મહિલાએ ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના જયેશ ગણપતભાઇ વાળંદ અને તુષાર રમેશભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ