ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ફીડર હેઠળ આવતા રાણીપુરા, ઉચેડિયા, નાનાસાંજા, ગોવાલી અને મુલદ એમ પાંચ ગામોના ખેતીવાડી વીજ ગ્રાહકોને નિયમિત વીજ પુરવઠો નહીં મળતો હોવાની વાત સાથે ખેડૂતોએ ઝઘડીયા વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.
ઉપરાંત હાલમાં નર્મદામાં આવેલ પૂરના પાણી ઓસર્યા બાદ વીજ લાઇનોનું સમારકામ હાથ ધરવામાં નહીં આવ્યુ હોવાની લાગણી પણ ખેડૂત આલમમાં દેખાય છે. ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ફિડરમાં આવતા ખેડૂતોએ આજે વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ચોમાસાની શરૂઆત થયા બાદ આ ફીડરના ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો મળ્યો નથી, ઉપરાંત નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ઠેર ઠેર વીજ પોલોને નુકશાન થયુ છે. ઉપરાંત વીજ ટ્રાન્સફોર્મર પણ પાણીમાં ગરકાવ થયા હતા. વીજ મીટરો પણ પાણીમાં ગરકાવ થયા હતા જેથી હાલમાં રાણીપુરા ફીડર પરની વીજ લાઈનો લગભગ બંધ હાલતમાં છે. વરસાદ બંધ થયાના ૧૫ દિવસ બાદ પણ ઝઘડિયા વીજ કંપનીની કચેરી દ્વારા યોગ્ય સમારકામ હાથ ધરવામાં નહીં આવ્યુ હોવાની લાગણી સાથે રાણીપુરા ફીડરના ખેડૂતોએ ઝઘડિયા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. દરમિયાન આ બાબતે ઝઘડિયા વીજ કચેરીમાંથી મળતી વિગતો મુજબ રાણીપુરા ફીડર હાલમાં ચાલુ છે, પરંતુ તેને સંલગ્ન ટેપિંગ લાઈનો નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે બંધ હાલતમાં છે. જેથી જેમ બને તેમ સત્વરે વીજ કચેરી દ્વારા સમારકામ હાથ ધરી ખેતીવાડી વીજ ગ્રાહકોને પુરવઠો યથાવત કરી આપવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
ઝઘડિયા તાલુકાનાં પાંચ ગામોનાં ખેડૂતો દ્વારા વીજ કચેરીએ હલ્લાબોલ.
Advertisement