ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ચિંતા ફેલાવા પામી છે. ગઇકાલ સાંજે તથા આજે આવેલા ચાર જેટલા કોરોના સંક્રમિત કેસની સાથે અત્યારસુધીમાં ૮૪ થી વધુ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવી ગયા છે. જયારે જે પૈકી સાત કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે. વિગતો મુજબ તાલુકામાં તા. ૧૪ મી ના રોજ મોડી સાંજે જાહેર થયેલા તથા આજના મળી વધુ ચાર નવા કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો આવ્યા છે. જેમાં ગઇકાલે પોઝીટીવ આવેલા મહીલા દર્દી સવિતાબેન ભીખાભાઈ વસાવા ઉ.વ ૭૫ રહે. અવિધા તથા આજે પોઝિટિવ આવેલા અરવિંદ રામુભાઇ વસાવા ઉ.વ ૩૭ રહે. વંઠેવાડ, બાબુભાઈ ભીખાભાઈ વસાવા ઉ.વ ૪૭ રહે. શિયાલી ઝઘડીયા અને બાબુભાઇ મગનભાઇ વસાવા ઉ.વ ૫૦ રહે. સ્ટેટ બેંક પાછળ સુલતાનપુરા ઝઘડીયાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૮૪ જેટલો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. અને સંબંધિત પરીવારોના સર્વે કરી તમામ સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો વધતા ચિંતા ફેલાવા પામી છેે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં સૌથી વધુ બહારગામથી લોકોની આવન-જાવન રહે છે તથા જીઆઇડીસીમાં આવતા જતા લોકોના કારણે સ્થાનિક લોકો પણ સંક્રમિત થઈ રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ