ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે રહેતા ખેડૂતોના ખેતરમાં પશુપાલક ભરવાડે તેના ઢોર ઘુસાડી ભેલાણ કરતા ખેડૂતોએ રાજપારડી પોલીસમાં ફરિયાદ કરી છે. મળતી વિગતો મુજબ ભાલોદના ઠાકોરભાઈ રાયસીંગભાઈ ગોહિલ તથા અમિતભાઈ સુભાષચંદ્ર પંડ્યા ખેતી કરે છે. ગઈ તા.૧૨.૯.૨૦ ના રોજ ટોઠીદરા ગામના ગોચરમાં રહેતા ખેંગાર ભરવાડ નામના પશુપાલક તથા અન્ય બે ઈસમોએ તેમના ભેંસો અને ગાયો આ ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતે ઘુસાડી ભેલાણ કર્યું હતું. જે બાબતની જાણ ઠાકોરભાઈને થતાં તેમણે આ બાબતે ખેંગાર ભરવાડને ફોન કરી કહ્યું હતું કે તે મને પૂછ્યા વગર કેમ મારા ખેતરમાં ઢોર ચરાવી દીધા? જેથી ખેંગાર ભરવાડે જણાવેલ કે મેં નથી ઢોર ચરાવ્યા ત્યારે તેમણે મહેશભાઈએ તમને જોયેલ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ખેંગાર ભરવાડ કહેવા લાગ્યો હતો કે તમારાથી થાય તે કરી લે અને જો કેસ મુકવો હોય તો મૂકી દે અને તલવાર લઈને લડવું હોય તો આવીજા તેમ કહી ખેડૂત ઠાકોરભાઈ ગોહિલને ધમકી આપી હતી, જેથી ઠાકોરભાઈએ ફોન કાપી નાખ્યો હતો, ત્યારબાદ ઠાકોરભાઈ બીજા દિવસે તેમના ખેતરે ભેલાણ થયેલ પાક જોવા ગયા હતા ત્યારે તેમના ખેતરમાં વાવેતર કરેલ ૬૦૦ કેળાના ટીશ્યુના પીલા ચરાવી નુકસાન કરેલ હતું તથા ત્યાં હાજર અમિતભાઈએ પણ જણાવેલ હતું કે બારેક દિવસ પહેલા નર્મદા નદીમાં પાણી આવે ત્યારે આ ખેંગાર ભરવાડે તેમના ખેતરમાંથી ૬૦ કેળાની લૂમો કાપી નાખી તેના ઢોરને ખવડાવી દીધી હતી. ઠાકોરભાઈ રાયસીંગભાઈ ગોહિલના ખેતરમાં તથા અમિતભાઈ સુભાષચંદ્ર પંડ્યાના ખેતરમાં આ પશુપાલક દ્વારા ગેરકાયદેસર ઊભા પાકમાં ભેલાણ કરાતા બંને ખેડૂતોને કુલ રૂ ૧૩,૨૦૦ જેટલાનું નુકસાન કરી તેમને ફોન પર ધમકી આપેલ હતી. જેથી ઠાકોરભાઈ રાયસીંગભાઈ ગોહિલે ખેંગાર ભરવાડ તથા બીજા બે ઈસમો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી.
ઝઘડિયા તાલુકાનાં ભાલોદ ગામે પશુપાલક દ્વારા ખેતરમાં ઢોરો ઘુસાડી ભેલાણ કરાતા ફરિયાદ.
Advertisement